Header Ads

આત્માસંયમ કેળવવું જરૂરી છે

 આત્માસંયમ કેળવવું જરૂરી છે

How about self control
Image Source – Google image by  Mark Leary, Ph.D.Duke University https://www.thegreatcoursesdaily.com/self-control-techniques-and-requirements/

આત્મસંયમ એ સમસ્ત સદગુણોનો પાયો છે. જે ક્ષણે મનુષ્ય પોતાના મનોવિકારોને તાબે થાય છે તે ક્ષણેથી તે પોતાની નૈતિક સ્વતંત્રતાને તિલાંજલિ આપે છે. સ્ટોનવોલ જેકસને પોતાની બાલ્યાવસ્થામાં જ પોતાની પ્રત્યેક શારીરિક, માનસિક અને નૈતિક દુર્બળતાઓને જીતી લેવાનો નિશ્ચય કર્યો. તેને પોતાની સમસ્ત શક્તિઓને મજબૂતીથી અંકુશમાં રાખી પોતાના મહાન આત્મશિક્ષણ અને આત્મસંયમથી તેના પર વિજય મેળવ્યો. પોતાની જાતને ઋતુની જરા પણ અસર ન થાય એવી સખ્ત બનાવવાને માટે તેણે એવો દ્રઢ નિશ્ચય કર્યો હતો કે, તેને ગમે તેટલું કહેવામી આવે તો પણ તે શિયાળામાં ઓવર કોટ પહેરતો નહી. તે કહેતો કે, `હું ઠંડીને તાબે થઈશ નહિ.` તેને અપચો થયો હતો તેથી એક વર્ષ સુધી તેણે છાસ અને લૂખા રોટલા પર નિર્વાહ કર્યો હતો; અને તેના વૈધે તેને શરીર પર ભીનું પહેરણ પહેરવાની જે સલાહ આપી હતી તે વાતને પ્રત્યેક જણે હસી કાઢવા છતાં પણ તેણે અમલમાં મૂકી હતી. આ વખતે તે વર્જિનિયા મિલિટરી ઇન્સ્ટિટ્યુટ (વર્જિનિયા સૈનિક સંસ્થા)માં અધ્યાપક તરીકે કામ કરતો હતો. તેના વૈધે તેને નવ વાગે સૂઈ જવાની સલાહ આપી હતી; આથી તે ગમે ત્યાં હોય કે તેની આગળ ગમે તે માણસ બેઠેલું હોય તોપણ તે હમેશાં બરાબર તે વખતે સૂઈ જતો. આ સખ્ત નિયમને તે મરણપર્યત અનુસર્યો હતો. આવું આત્મશિક્ષણ-આવો આત્મવિજય મનુષ્યને બીજાઑ પર મહાન સત્તા આપે છે અને તેની કિંમત મહાન બુદ્ધિમત્તાના જેટલી જ છે. 

     આપણાં ભિન્ન ભિન્ન ગુણોનું વર્ગીકરણ કરી તેની યોગ્યતાનુસાર તેના ટકા (માર્ક) મૂકવાની ટેવ પાડવાથી આપણને લાભ થાય છે. આથી જેને ઓછામાં ઓછા ટકા મળ્યા હોય તે પણ હમેશાં આપણી નજર આગળ તરતો રહે છે અને તેથી તેને ઉન્નત  અથવા મજબૂત કરવાનો પ્રયત્ન કરવાને શક્તિમાન થઈએ છીએ. ધારો કે, એક માણસનો દ્રઢમાં દ્રઢ ગુણ તેનો ઉધોગ છે તો તેના સો માર્ક મૂકો, ધારો કે તેની શારીરિક હિંમતપચાસ માર્કને પાત્ર છે; તેની નૈતિક હિંમત પોણોસો માર્કને પાત્ર છે; તેનો મિજાજ પચીસ માર્કને લાયક છે અને તેનો આત્મસંયમ માત્ર દાશ માર્કને  જ લાયક છે. હવે આવા દુર્બળ આત્મસંયમની સાથે જો જુસ્સાદાર મનોવિકારોનો યોગ થતો હોય તો તે જ તેના નાશનું કારણ થઈ પડશે; એટલા માટે તેણે એને દુર્બળ ગુણની પંક્તિ પરથી સબળ ગુણની કોટિ પર ચઢાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આપણે પ્રતિદિન અથવા પ્રેત્યેક અઠવાડિયે આ ગુણોનું કોષ્ટક બનાવીએ અને પ્રેત્યેક ગુણનો વિકાસ અને સંકોચ તપાસી તેની લાયકાત અનુસાર માર્ક મૂકીએ તો દરરોજ આપણને બે ત્રણ મિનિટ જ લાગે. જો તમે પ્રમાણિકપણે સખ્ત પરિશ્રમ કર્યો હોય તો ઉધોગના સો માર્ક મૂકો. જો તમે તમારો મિજાજ ખોઈ દીધો હોય અને તેને પરિણામે આત્મસંયમનો ત્યાગ કરી તમારી જાતને મૂર્ખ બનાવી હોય તો તેના થોડાક જ માર્ક મૂકો. આથી તમને એ ગુણને ઉન્નત કરવાનો પ્રયત્ન કરવાને ઉતેજન મળશે. જો તમને ક્રોધ ચઢ્યો હોય તો તમારા મિજાજની લયકાત પ્રમાણે માર્ક મૂકો અને પ્રયત્ન કરી ક્રમે ક્રમે ક્રોધમાંથી તમારી જાતને મુક્ત કરો. જ્યાં તમારે બહાદુર થવું હોય ત્યાં જો તમે ભીરુ થયા હો; જ્યાં તમારે નિશ્ચલ થવું જોઈએ ત્યાં તમે જો ચંચલચિત્તના બન્યા હો; જ્યાં તમારે સત્ય વદવું જોઈએ ત્યાં જો તમે અસત્ય બોલ્યા હો; જ્યાં તમારે શાણા થવું જોઈએ ત્યાં જો તમે મૂર્ખ બન્યા હો; જ્યાં તમારે રોકડું પરખાવવું જોઈએ ત્યાં જો તમે ગોળગોળ બોલ્યા હો; જ્યાં તમારે ન્યાયી થવું જોઈએ ત્યાં તમે જો અન્યની ભૂલ અને દુર્ભાગ્યનો લાભ લીધો હોય; જ્યાં તમારે પ્રમાણિક થવું જોઈએ ત્યાં તમે અપ્રમાણિક થયા  હો; જ્યાં તમારે ધૈર્ય ધારણ કરવું જોઈએ ત્યાં જો તમે અધીરાઈને વશ થઈ ગયા હો; જ્યાં તમારે આનંદી થવું જોઈએ ત્યાં નો તમે મોઢું ચઢાવ્યું હોય; તો તે સર્વની લયકાત પ્રમાણે જ પ્રત્યેકના માર્ક મૂકો. આથી તમને ચારિત્ર્યરચનામાં મોટી સહાય મળશે. 

     મનુષ્ય જ્યારે પોતાના સ્વરૂપને ઓળખે છે ત્યારે પ્રકુતિના ગુહ્યતા અને તેના ભયો તેનામાંથી અદ્રશ્ય થઈ જાય છે. `તારી જાતને ઓળખ ` એની સાથે `તારી જાતને સહાય કાર` એનો યોગ થતાંવેંત જ માર્ગ ખુલ્લો થઈ રહે છે.` 

     તમારી દુર્બળતાથી સાવધ રહેજો. અનીતિ પોતાનું અરધો અરધ બળ તો પોતાનો ભોગ થઈ પડેલા મનુષ્યોની દુર્બળતામાંથી જ મેળવ્યા કરે છે. શું તમારો સ્વભાવ ક્રોધી અને આકારો છે ? જો તેમ હશે તો પાણીના બંધમાંના ઊંદરના દરની પેઠે અનેક વર્ષોના તમારા કામ પર રે પાણી ફેરવશે. ક્રોધપૂર્વક બોલાયેલા એકાદ શબ્દથી પણ કોઈવાર એવો ટંટો જાગે છે કે જે લાંબા સમય સુધી શાંત થઈ શકતો નથી. માત્ર એક જ ક્રોધી શબ્દથી ઘણા મિત્રો દૂર થાય છે. 

     જો તમારા હ્રદયમાં ક્રોધ ઉત્પન્ન થયેલ જણાય તો તમે તમારું મુખ બંધ રાખજો. જો એમ નહિ કરો તો તમારો ક્રોધ વધતો જશે. ઘણા માણસો ક્રોધથી મરણ પામ્યા છે. ક્રોધ રોગને ઉત્પન્ન કરે છે. ` દેવો જેનો નાશ કરવા માગે છે તેને પ્રથમ તેઓ ઉન્મત્ત બનાવે છે. ` વેબસ્ટર કહે છે કે, વાદવિવાદ કરતી વખતે શાંત રહેજો. કારણ કે ક્રોધ એ ભૂલને દોષ બનાવે છે અને સત્યને અવિવેક બનાવે છે. ` 

     એક દુર્બળ મનુષ્ય પ્રત્યે ક્રોધ કરવો, એ તો તમે પણ સબળ નથી એમ સાબિત કરવા સમાન છે. પાઈથગોરસ જણાવે છે કે, `મૂર્ખાઈની સાથે ક્રોધનો આરંભ થાય છે અને પશ્ચાતાપની સાથે તેનો અંત આવે છે.` એક માણસની લાગણીઓનું દમન કરવાની શક્તિ ઉપર જ તેના બળનું માપ કરવું જોઈએ. 

     ડી. લિયોન નામના એક સુપ્રસિદ્ધ સ્પેનિશ કવિને રોમન કેથોલિક પંથ પ્રત્યેના વિરોધને લીધે અનેક વર્ષો સુધી કારાગૃહવાસ ભોગવવો પડ્યો હતો. તેણે બઈબલનો કેટલોક ભાગ પોતાની ભાષામાં અનુવાદિત કર્યો હતો, તે માટે તેને પ્રકાશ વિનાની એક ભયાનક કોટડીમાં પુર્યો હતો. કેટલાક વર્ષ પછી તેને મુક્ત કરી તેની અધ્યાપકની જગ્યા તેને પાછી આપવામાં આવી. તે પોતાના કારાગૃહનિવાસ સંબંધે શું કહે છે તે સાંભળવાને માટે તેના પ્રથમ ભાષણના પ્રસંગે લોકોનો મોટો સમુદાય એકઠો થયો; પરંતુ પાંચ વર્ષ પૂર્વે અતિ ક્રૂર રીતે તે મહાપુરુષના વ્યાખ્યાનને જ્યાંથી અધૂરું રાખવામાં આવ્યું હતું ત્યાંથી જ તે શરૂ થયું. તે પ્રારંભમાં આ શબ્દો બોલ્યો હતો : `હેરિ દિસ્સેબેમસ-` (કાલે મે જણાવ્યુ હતું કે--) 

     જે માણસો પોતાના મનમાં જે પણ વિચાર આવી જાય તે પ્રમાણેનો લવારો કરવા મંડી પડે છે તેમને આત્મસંયમનો ઉપલો સુપ્રસિદ્ધ દાખલો કેવો સરસ બોધ આપે છે ! 

     ભારે અપમાન થયા પછી માત્ર જરા ફિક્કા પડી, પોતાના ધ્રૂજતા હોઠ ડાબી, શાંતિપૂર્વક ઉત્તર આપનાર અકાદ માણસને તમે કદી જોયો છે ? મનોવ્યથા ડાબી દઈ, આત્મસંયમ કરી નક્કર પાષાણમાં કોતરી કાઢેલા પૂતળાની પેઠે ઊભા રહેનાર એકાદ માણસને તમે કદી જોયો છે ? પ્રતિદિન અત્યંત સંકટ સહન કરવા છતાં પોતાનું દૂઃખ જગતને નહિ જણાવનાર કોઈ માણસને તમે કદી જોયો છે તેવા માણસને જ ખરો બળવાન માણસ ગણજો. ` જે માણસ ક્રોધી સ્વભાવ હોવા છતાં પણ શાંત રહી શકે છે, જે માણસ અતિ ઉગ્ર સ્વભાવનો હોવા છતાં પણ પોતાના મિજાજને કાબુમાં રાખીને ક્ષમા કરે છે તે બળવાન વીર પુરુષ છે.`    

     જે માણસ નીચ મશ્કરી અને નિંદક શબ્દને પોતાના હોઠ પર આવવા પહેલાં જ મારી નાખી શકે છે અને ઠપકા, તહોમત, ધૃણા તથા તિરસ્કારની વચ્ચે-હ્રદયમાં ક્રોધ હોવા છતાં પણ-શાંતિ જાળવી રહે છે તે માણસે પોતાની વાચાને જીતી લીધી છે. 1 જે ગુસ્સે થઈ શકતો નથી તે નિર્માલ્ય મનુષ્ય  છે; પરંતુ જે જાણી જોઈને ગુસ્સે થતો નથી તે શાણો મનુષ્ય છે. ` 

     આપણને પણ જો આત્મસંયમ કરવાનો સ્વભાવ પાડી દઈએ તો તેથી આપણને કેવી મધુર શાંતિ મળે ! અચાનક જ ક્રોધ કરવાનું કારણ મળ્યું હોત તે છતાં પણ મનુષ્ય મૌન ધારણ કરે અથવા શાંતિ ભરેલા સ્મિતથી નીચે ડાબાવી દે તો તેને પોતાની જાત પર કટલો બધો અંકુશ મળે. મગજશક્તિ હોવી એ મોટી વાત છે; પરંતુ તેને અંકુશમાં રાખવાની શક્તિ હોવી એ તેથી પણ મોટી વાત છે. બીજાઓ પર સત્તા ચલાવવાની ઈચ્છા હોય તો તેણે પ્રથમ પોતાની જાતને વશ રાખવી જોઈએ. 

     જે માણસે પોતાની જાતને વશ કરી છે; જે માણસે પોતાની જાતને જીતી છે તે પોતાના મનોવિકાર, પોતાના સંયોગો, પોતાના ધંધા અને પોતાની વાણી પર કાબૂ મેળવે છે. આત્મસંયમ એ એક એવો સેનાપતિ છે કે જે અશિક્ષિત યોદ્ધાઓના ટોળાને શિક્ષિત સેનામાં ફેરવી નાખે છે. જે માણસ આત્મસંયમ કરી જાણે છે તે પોતાની જાતનો સદુપયોગ કરી જાણે છે. મનુષ્યજાતિ હમેશાં શિક્ષણ મેળવે છે. આપણાં ધંધાઓ આપણી મુશીબતો, આપણાં વિઘ્નો અને આપણી નિરાશાઓનો જે સદુપયોગ કરવામાં આવે તો તેઓ, આપણને આત્મસંયમ શીખવનાર મહાન શિક્ષકો નીવડે. જે માણસ પોતાની જાતનો સ્વામી હોય છે તે વૈતરું કર્યા કરનારો ગુલામ બનશે નહિં, પરંતુ તે પોતાનું કામ હમેશાં આગળથી કરી નાખશે. જે દ્રવ્ય અથવા મોટાં મોટાં દરજ્જા કરતાં પણ અધિક મૂલ્યવાન છે તેને એ પોતાના કુટુંબ પાસેથી ખૂંચવી લીશે નહિ. તે પોતાના ધંધાનો ગુલામ બનશે નહિં અથવા પોતાના સંયોગોની દયા પર રહેશે નહિં. તેના નિયમો અને તેની પ્રલાણીઓ તેને ચેમત્કારિક કાર્યો કરવાને શક્તિમાન કરશે અને તે છતાં પણ તેને આત્માવિકાસને માટે અવકાશ આપશે. જે માણસ પોતાની જાતને અંકુશમાં રાખે છે તે કામને માટે જીવતો નથી પણ જીતવાને માટે કામ કરે છે. 

        `મને તો એવો માણસ આપો કે જે મનોવિકારનો ગુલામ ન હોય: અને હું તેને મારા હ્રદયના ઊંડા-અરે ઊંડામાં ઊંડા-ભાગમાં ધારણ કરીશ.`                             -શેકસપિયર  

     `ચારિત્ર્યનું બળ એ બે વસ્તુઓનું બનેલું છે: ઈચ્છાશક્તિ અને મનોનિગ્રહ. એટલા માટે તેના અસ્તિત્વને માટે બે વસ્તુઓની આવશ્યકતા છે: મજબૂત લાગણીઓ અને તેને અંકુશમાં રાખવાની મજબૂત શક્તિ`. – એફ. ડબલ્યુ. રોબર્ટસન 

    `આત્મમાન, આત્મજ્ઞાન અને આત્મસંયમ; માત્ર એ ત્રણ દ્વ્રારા જ આપણને સર્વોપરી સત્તા પ્રાપ્ત થાય છે.` 

    `માણસે પોતાની જાત ઉપર મેળવેલો વિજય, એ જ તેનો સૌથી વિશેષ અને બહાદુરીભરેલો વિજય છે.`

                                                - અર્લ ઓફ સ્ટલિંગ

     `આત્મવિજય એ જ ખરો વિજય છે; અને તે વિનાનો વિજેતા ક્ષુદ્રમાં ક્ષુદ્ર ગુલામ છે.`             - ટોમસન

     `મનુષ્ય જ્યારે પોતાનો ગુલામ બને છે ત્યારે તેનું મૂલ્ય અર્ધુ ઘટી જાય છે.`                       -ઓડિસી

     `જે માણસ પોતાની ઇન્દ્રિયો પર રાજ્ય ચલાવે છે અને મનોવિકાર તથા ભયને તાબે કરે છે તે રાજા કરતાં પણ મોટો છે.`                                                             - મિલ્ટન 

     `જે માણસ ક્રોધ કરવામાં વિલંબ કરે છે તે બળવાન મનુષ કરતાં ઉત્તમ છે; અને જે પોતાના મન પર સત્તા ચલાવે છે તે એક શહેરને જીતી લેનાર કરતાં ઉત્કુષ્ટ છે.`               - બાઇબલ 

   `આત્મવિશ્વાસ એ વીરતાનું પ્રધાન તત્વ છે.    - ઇમર્સન 

     `અહા ડાયમંડ ! તે જે હાનિ કરી છે તેનું ભાન તને ક્યાંથી હોય ?` સર આઇઝેક ન્યુટન વાળું કરીને આવ્યો ત્યારે તેને જણાયું કે તેણે વર્ષો સુધી અતિશ્રમ કરીને જે ગણતરીઓ કરી હતી તેણે ઉપર ડાયમંડ નામના કૂતરાએ એક સળગતી મીણબત્તી પાડી દઈને તેને ભસ્મીભૂત કરી દીધી હતી ! આ જોઈને તે ઉપલા શબ્દો બોલ્યો હતો. ત્યાર પછી એ ગણતરીઓ ફરીથી કરવાને તે બેઠો. આવી ઉત્તમ ધીરજ, આત્મસંયમ અને કર્તવ્યબુદ્ધિને લીધે જ તેણે પ્રક્રુતિ સર્વ નિયમોનું જ્ઞાન મેળવવાને પોતાની પૂર્વેના અને પોતાના સમયના સર્વ વૈજ્ઞાનિકોને પાછળ હઠાવી દીધા. 

     એક દિવસ પ્રાતઃકાળમાં સેંટ પીટર્સબર્ગમાં રહેતા અમેરિકન એલચીને `પો` નામના એક યુવાન, દુર્વ્યસની, ભ્રષ્ટ, અમેરિકન યુવાનને પાપાચારમાંથી બચાવવાની ભલામણ કરવામાં આવી. એ એલચીની સહાયથી છૂટો થઈને તરુણ પો યુનાઈટેડ સ્ટેટસમાં આવ્યો. થોડા દિવસ પછી `બાલ્ટિમોર વિઝિટર` નામના પત્રે ઉત્તમાત્તમ વાર્તા અને ઉત્તમાત્તમ કાવ્ય રચનારને અમુક રકમનું ઈનામ આપવાનું જાહેર કર્યું. બધા હરીફોમાં જેની વાર્તા અને કવિતા સર્વોતમ નીવડી તે પેલો સ્વચ્છંદી, ભ્રષ્ટ, રંક, અનાથ તરુણ જ હતો ! ઈનામ આપવાને માટે તેને જ્યારે બોલાવવામાં આવ્યો ત્યારે તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો; તેના કપડાં ફાટી ગયેલા હતા; તેના પગમાં ઠંડીથી બચવા માટે મોજાં પણ ન હતા; તેનો કોટ ફાટેલો, પરંતુ સારી રીતે સાફ કરેલો હતો અને પહેરણનો અભાવ છુપાવવાને માટે હડપચી પર્યત તેને બટન બંધ કર્યા હતા ! રશિયામાંથી આવ્યા પછી તરુણ પોએ હિંમત ને દ્રઢતા ધરાણ કરીને થોડા જ સમયમાં દર્શાવી આપ્યું કે તેને પતિત કરનાર દુરાચારને તેણે જીતી લીધો હતો ! 

 મહાન આત્મસંયમી, પુષ્કળ વિચાર કરનાર અને થોડું બોલનાર, આત્મશ્રદ્ધા ધરાવનાર અને સ્થિર ચિત્તવાળો મનુષ્ય, દુર્બળ ઈચ્છા ધરાવનાર ને હમેશાં અનિશ્ચિત તથા ચંચલ મનવાળા મનુષ્ય કરતાં હજારગણો વજનદાર હોય છે. જે માણસ અન્યોને અનુસરે છે તે અન્યોને પોતાના અનુયાયી બનાવી શકતો નથી. 

     જો દરરોજ આપણાં દુર્ગુણોની તપાસ લેવામાં આવે તો તે એની મેળે જ નાશ પામશે. 

     ઝિમરમેન કહે છે કે, `ઉદ્ધતાઈ, નીચતા અને ઇર્ષ્યામાંથી ઉત્પન્ન થતાં સઘળા વિરોધનો ઉત્તમૌત્તમ પ્રત્યુતર `મૌન` છે. પુરુષોત્તમ શ્રીકૃષ્ણ ભગવાનના જીવનમાં અને ઇસુ ખ્રિસ્તનાં જીવનમાં તે સર્વનો સમાવેશ થાય છે. તે બંને મહાત્માઓ તેનું મૂર્તિમંત સ્વરૂપ છે. 

     જે માણસ સંભાળપૂર્વક પોતાના માનસિક હક્કો અને શક્તિઓનું સંરક્ષણ કરે છે; જે કોઈ પણ મનુષ્યને પોતાનો સ્વામી ગણાતો નથી; જે પ્રાચીનકાળથી અમુક મત ચાલ્યો આવ્યો છે માટે તેને અનુસરવું જોઈએ એમ માણતો નથી; જે ગમે ત્યાંથી આવતા પ્રકાશને ગ્રહણ કરવાને હમેશાં તૈયાર રહે છે; જે નવીન સત્યને આકાશમાંના દેવદુતોની પેઠે ગ્રહણ કરે છે; જે બીજાઓની સલાહ લે છે પણ પોતાના મનોદેવતાની સલાહ પર વિશેષ વજન આપે છે; અને જે બાહ્ય સલાહોનો પોતાની શક્તિઓને દાબી દેવાને નહિં. પરંતુ તેને પ્રોત્સાહન આપવામાં તથા ઉન્નત કરવામાં ઉપયોગ કરે છે; તે માણસને હું સ્વતંત્ર મગજનો માણસ ગણું છુ. જે માણસ બાહ્યસંયોગોને નમ્રતાપૂર્વક તાબે થતો નથી; જે માણસ ઘટનાઓના પ્રવાહમાં તણાઇ જતો નથી; જે આકસ્મિક ઉત્તેજનાનો ગુલામ બની જતો નથી; પણ જે ઘટનાઓને પોતાની સુધારણા કરવાના ઉપયોગમાં લાવે છે અને અવિનાશી સિદ્ધાંતોનો તેણે હેતુપૂર્વક આશ્રય લીધો હોય તે સિંદ્ધાંતોને અનુસરીને અંતઃકરણપૂર્વક કાર્ય કરે છે; તે માણસને હું સ્વતંત્ર મગજનો માણસ કહું છુ કે જે સમાજના અત્યાચારમાંથી પોતાનું સંરક્ષણ કરે છે; જે માણસોના મતને તાબે થઈ જતો નથી; જે માણસ કરતાં કોઈ ઉચ્ચતર ન્યાયાધીસને પોતાનો હિસાબ આપવાને પોતાને બંધાયેલો માને છે; જે લોકાચાર કરતાં ઉચ્ચતર આચારને માન આપે છે અને જે પોતાની જાતને એટલી માનવંત ગણે છે કે તેણે ઘણા અથવા થોડા લોકોના સાધન અથવા ગુલામરૂપ બનવા દેતો નથી. હું તે જ માણસને સ્વતંત્ર મગજનો ગણું છું કે જેણે પ્રભુ અને સદગુણના સામર્થ્ય પરથી શ્રદ્ધાને લઈને ખોટાં કૃત્ય સિવાય બીજી સઘળી વસ્તુઓના ભાઈને તિલાંજલિ આપી હોય છે; જેને કોઈ પણ સંકટ અથવા વિપત્તિ ભયભીત કરી શકતી નથી; જે તોફાનોની વચ્ચમાં શાન્ત રહી શકે છે અને સઘળી વસ્તુઓનો નાશ થવા છતાં પણ જે પોતાનું મન:સ્થૈર્ય ગુમાવતો નથી. હું તે માણસને સ્વતંત્ર મગજનો ગણું છું કે જે આદતોથી તાબેદારીને દૂર ફેંકી દે છે;જે યંત્રની માફક જૂના વિચારોને વળગી રહીને માત્ર ભૂતકાળનું જ પુનરાવર્તન કર્યા કરતો નથી; જે જૂના ગુણો પર નિર્વાહ કરતો નથી; જે પોતાને અમુક નિયમોનો ગુલામ બનાવી દેતો નથી; જે પાછળથી અયોગ્ય વસ્તુઓને સત્વર ઓળખી લઈને ભૂલી જાય છે; જે અંતઃકરણના નવીન અને ઉચ્ચતર બોધો પર ધ્યાન આપે છે અને જે જુસ્સાપૂર્વક નવીન તથા ઉચ્ચતર પ્રયત્નો કરવામાં આનંદ માને છે. હું તે માણસને સ્વતંત્ર મગજનો ગણું છું કે જે પોતાની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે અને જગતના સામ્રાજ્ય કરતાં પણ સ્વતંત્રતાના સામ્રાજ્યને વિશેષ ઉત્તમ ગણે છે.    

     પ્રેત્યેક માનવ પ્રાણી જાણે છે કે, તેનામાં બે જાતના સ્વભાવ રહેલા હોય છે. એક સ્વભાવ હમેશાં સારી, સાચી અને ઉત્તમ વસ્તુઓની જ શોધ કરતો હોય છે. ઉચ્ચ, ઉન્નત અને અમર અંગ છે; જે પ્રભુની મુર્તિ છે; જે આધ્યાત્મિક અંગ છે અને જે આત્માની શક્તિઓનું તેના સ્રષ્ટા તરફનું આકર્ષણ છે. બીજો સ્વભાવ એનું પાશવ અંગ છે અને તે મનુષ્ય પતિત અવસ્થા તરફ ખેંચી જાય છે. તે મહત્વાકાંક્ષા ઉત્પન્ન થવા દેતો નથી. પણ વિષયાસક્તિના કાદવમાં જ ડૂબાડી રાખે છે. પશુની પેઠે તેને માત્ર એક જ નિયમનું ભાન હીય છે અને માત્ર એક જ સેતુ હોય છે કે ખાવું, પીવું અને મોજમજા કરવી. જ્યારે તે ક્ષુધાતુર અથવા તૃષાતુર રહેતો નથી અથવા જ્યારે તે ખૂબ ખાઈપીને મસ્ત બનેલો હોય છે ત્યારે તે એક મેંઢાની પેઠે શાંત અને સ્વસ્થ થઈને પડી રહે છે. કેટલીક વાર આપણને તેણે શાંત થઈ ગયેલો જોઈએ છીએ; પરંતુ જ્યારે તે ભૂખ્યો ડાંસ બની ગયેલો હોય છે ત્યારે તે ખોરાકને માટે બરાડા પાડે છે. તમે તેની સાથી દલીલ કરી શકતા નથી. કારણ કે દલીલ તેની સ્થૂળ બુદ્ધિમાં બિલકુલ પ્રવેશ જ કરી શકતા નથી.તે તો માત્ર પોતાની ભૂખને તૃપ્ત કરવાની જ વાત જાણે છે ! તમે તેની આત્મમાનની વૃતિને પણ જાગ્રત કરી શકતા નથી. કારણ કે તેનામાં તે વૃતિનો લવલેશ પણ  હોતો નથી. ચારિત્ર્ય, પૌરૂષ કિંવા આત્મિકતાની તે કિંચિત પણ સ્પૂહા કરતો નથી. 

How about self control
Image Source – Google image by  Mark Leary, Ph.D.Duke University https://www.thegreatcoursesdaily.com/self-control-techniques-and-requirements/


No comments