Header Ads

ઔદાર્ય કેવું રાખશો

 ઔદાર્ય કેવું રાખશો

 હું અહિયાં તમને ઔદાર્ય કેવું હોવું જોઈએ એ વિષે આ આર્ટીકલમાં જણાવીશ.

`ઉદારતા એ આપીને શ્રીમંત થાય છે; ત્યારે લોભ સંગ્રહ કરીને ગરીબ બને છે.`   

    ફ્રાન્સના મુખ્ય મંત્રી કાર્ડિનલ ડુ બોઈએ એક દિવસ પોતાના અંગ પર એક ગંભીર શસ્ત્રક્રિયા કરાવવાને માટે મહાશય બુર્ડા નામના એક પ્રખ્યાત શસ્ત્રવૈધને બોલાવ્યો. કાર્ડિનલે તેને કહ્યું કે `હોટેલ ડ્યુની તમારી હોસ્પીટલમાં તમે તમારા ગરીબ, દરિદ્રી અને કંગાળ દરદીઓની સાથે જેવો કઠોર વ્યહાર કરો છો તેવો કઠોર વ્યવહાર મારી સાથે કરવાની આશા રાખશો નહિં.` મહાશય બુર્ડાએ પરમ સભ્યતાપૂર્વક ઉત્તર આપ્યો કે, `મારા લોર્ડ ! આપ નામદાર જેને દરિદ્રી અને કંગાળ કહો છો તેમાંનો પ્રત્યેક જણ મારી દ્રષ્ટિમાં તો મુખ્ય પ્રધાન છે.  

ઔદાર્ય કેવું રાખશો


     ઇમર્સન કહે છે કે `જો હું સર્વ મનુષ્યોને દેવ તરીકે પૂજતો હોઉં તો કોઈ પણ મનુષ્ય મારી ગુલામગીરી કરે એ મને કેમ પસંદ પડે?`

     ફ્રેંકિલને લખ્યું છે કે `સૂર્યાસ્ત સમયે એબ્રેહામ પોતાના તંબુના દ્વ્રારમાં બેઠો હતો એવામાં ગઢપણથી વાંકો વળી ગયેલો એક માણસ લાકડીના ટેકે ચાલતો જંગલમાંથી ધીમે ધીમે બહાર આવ્યો. એબ્રેહામ ઊઠીને તેને મળ્યો અને તેના પ્રત્યે બોલ્યો : હું તને વિનંતી કરું છે કે અંદર આવ; તારા હાથ પગ ધો ને અહી આખી રાત રહે. કાલે સવારે વહેલો ઊઠીને તારે માર્ગે ચાલ્યો જજે. પરંતુ તે માણસે કહ્યું : `ના, હું આ ઝાડની નીચે રહીશ.` એબ્રેહામે તેને ઘણો આગ્રહ કર્યો તેથી તે તેની પાસે આવ્યો અને તેઓ બંને તંબુમાં ગયા. એબ્રેહામે રોટલા કર્યા અને તે બંનેએ વાળું કર્યું. જ્યારે એબ્રહામે જોયું કે તેણે ઈશ્વરની સ્તુતિ કરી નહિં ત્યારે તે બોલ્યો : `સ્વર્ગ અને પૃથ્વીના કરતાં પરમેશ્વરની પ્રાથના તું શા માટે કરતો નથી ?` પેલા માણસે ઉત્તર આપ્યો :` તું જે ઈશ્વરની વાત કરે છે તેને હું ભજતો નથી. તેમજ હું તેનું નામ પણ લેતો નથી. કારણ કે, મેં મારે માટે એક ઈશ્વર બનાવ્યો છે. તે ઈશ્વર હમેશાં મારા ઘરમાં રહે છે અને મને સઘળી વસ્તુઓ આપે છે.` `આ સાંભળી એબ્રેહામને તે માણસ પ્રત્યે એટલો બધો ક્રોધ ઉત્પાન્ન થયો કે તે ઊઠીને તેના પર તૂટી પડ્યો અને તેને લાકડીના પ્રહાર કરીને જંગલમાં હાંકી કાઢ્યો. અર્ધી રાતે ઈશ્વરે એબ્રેહામની પાસે આવી કહ્યું કે, `એબ્રેહામ ! પેલો અજાણ્યો માણસ ક્યાં છે ?` એબ્રેહામે જવાબ આપ્યો : પ્રભુ ! તે આપની ભક્તિ કરતો નથી, તેમજ આપનું નામ પણ લેતો નથી; એટલા માટે મે તેને મારા મુખ આગળથી દૂર કરી જંગલમાં હાંકી કાઢ્યો છે. ` એશ્વરે કહ્યું કે `હું તેને એકસો અઠાણું વર્ષથી સહન કરતો આવ્યો છુ. અને મારી સામે બંડ કર્યું છે તો પણ મે તેને અન્નાવસ્ત્ર પૂરા પાડ્યા છે; અને તું કે જે પોતે પાપી છે તે તેને એક રાત પણ સહન કરી શક્યો નહિં !`

      `સૂર્યાનાં કેટલાક કિરણો આ કૃતઘ્ન અને ખાલી આકાશમાં મોટા વિસ્તારમાં નકામાં પડ્યા કરે છે અને તે કિરણોનો માત્ર નાનો સરખો જ ભાગ પરાવર્તન કરનાર ગ્રહો અને ભૂમિ પર પડે છે, તોપણ તેથી સૂર્યને શોક થતો નથી.`-ઇમર્સન 

     `જે બહાદુર સૈનિક મારી બાજુમાં ઊભો રહીને મનુષ્યજાતિના હિતને માટે લડે છે તે માણસ મારા જ ધર્મનો છે કે નહિં તે શું મારે તેને પૂછવું જોઈએ? જે મિત્રને મે ચાહ્યો છે અને કસી જોયો છે તે જો મારા સંપ્રદાયને ન માનતો હોય તો શું મારે તેનો ત્યાગ કરવો જોઈએ ?                                 -મુર

    `જો ઈશ્વર તારો પિતા છે તો મનુષ્ય તારો બંધુ છે.`                                                                      -લેમરટાઈન 

     `જો તું બીજાઓ પ્રત્યે ભલો હોય તો તારી જાત પ્રત્યે તેથી પણ વિશેષ ભલો છે.`                                     -ફ્રેંકિલન

     `બીજાઓના દોષ તરફ જોશો નહિં; અને તેમનામાં દોષ જણાય તો પણ તે તરફ દુર્લક્ષ્ય કરીને તેની પાછળ રહેલા સદગુણને જોવામાં એ જ ડહાપણ અને પ્રેમનું કામ છે.`                                                    -ઈલા વ્હીલર વિલ્કોકસ

 `જો આપણે આપણાં શત્રુઓનો ગુપ્ત ઇતિહાસ વાંચી શકતા હોઈએ તો આપણને પ્રત્યેક મનુષ્યના જીવનમાં એટલું જ દુઃખ અને શોક જણાય કે આપણાં મનમાં તેમના પ્રત્યે કિંચિત પણ શત્રુભાવ-વિરોધાભાસ રહે નહિં.`                         -લોંગ્ફેલો

     ડો. ગોલ્ડસ્મિથે વૈધશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો એમ જાણી તથા મનુષ્યજાતિ પર તેનો અત્યંત પ્રેમ હતો એવી વાત સાંભળી એક ગરીબ સ્ત્રીએ તેના પર પત્ર લખી તેમાં જણાવ્યું કે, `મારા પતિની ભૂખ મારી ગઈ છે અને તેઓ અત્યંત શોકદાયક સ્થિતિમાં છે. માટે તેમને સારું કંઈક દવા મોકલશો તો આભાર થશે.` તે ભલા સ્વભાવનો કવિ તત્કાળ તેને ઘેર ગયો અને તે દરદીની સાથે થોડી વાર સુધી વાતચીત કર્યા પછી તેને જણાવ્યું કે રોગ અને ગરીબાઈથી એ બંનેથી પીડાતો હતો. ગોલ્ડસ્મિથે તેમને કહ્યું કે, `હું એકાદ કલાકમાં તમારા પર થોડીક ગોળીઓ મોકલી આપીશ; તે ખાવાથી તમને આરોગ્ય પ્રાપ્ત થશે.` પછી તે તરત જ ઘેર ગયો અને એક લાકડાની નાની પેટીમાં દશ ગિની મૂકીને તેના ઉપર આ પ્રમાણે ચિઠ્ઠી ચોઢી :- જરૂર પડે તો આનો ઉપયોગ કરજો; ધીરજ ધરજો અને સદભાવના રાખજો.` 

     ગોલ્ડસ્મિથ કેટલીક વાર પોતાનાં એક જોડી વસ્ત્રમાંનો અર્ધો ભાગ આપી દેતો હતો ! એક સમયે તેણે પોતાની પથારીની ચાદર અને ઓઢવાનું ગોદડું સુદ્ધાં આપી દીધું અને પોતે ઠંડીથી અટકી જતો બચવાને માટે તળાઈ નીચે ભરાઈ ગયો. 

     એક અનાડી શસ્ત્રવૈધે એક ફ્રેન્ચ સ્ત્રીની નાની નસ કાપવાને બદલે ધોરી નસ જ કાપી નાખી ! તેથી તેના શરીરમાંથી પુષ્કળ લોહી વહી ગયું અને તે મરણપથારીએ પડી. મારતી વખતે તેણીએ શસ્ત્રવૈધને જીવનપર્યતનું એક સારું વર્ષાસન બાંધી આપતી ગઈ; પણ તે એવી શરતે કે તેણે જીવનપર્યત ફરીથી કોઈ પણ માણસની નસ ખોલાવી નહિં ! એક પોલીસ રાજકુમારી કે જે પણ આવી જ રીતે મરણ પામી હતી. તેણે મારતી વખતે કરેલા પોતાનાં વિલમાં નીચે મુજબ એક કલમ દાખલ કરાવી :-જે કમબખ્ત-હતભાગી શસ્ત્રવૈધ મારા મરણનું કારણ થયો છે તેણે દુર્ભાગી અકસ્માતથી અવશ્ય હાનિ થશે. એવી મારે ખાત્રી હોવાથી હું તેણે જીવનપર્યત બસો દુયુકેટનું વર્ષાસન બાંધી આપતી જાઉં છે અને તેની ભૂલને માટે તેણે અંતઃકરણપૂર્વક ક્ષમા કરું છુ. મારી શોચનીય આપતિથી તેની જે અપકીર્તિ થશે તેનો બદલો આથી વળી રહે એવી મારી ઈચ્છા છે.`  

     ઉદાર માણસ લાંબા સમય સુધી સંકટ સહન કરે છે તો પણ તેટલો જ ઉદાર રહે છે.  

કોઇની નિંદા કરશો નાં. જે બાબત તારી નિસ્તેજ આંખોને એક ડાઘ-કલંકરૂપે દેખાય છે તે કદાચ ઈશ્વરનાં શુદ્ધ પ્રકાશમાં કોઈ સારી રીતે જિતાયેલા રણક્ષેત્રમાં વાગેલો એકાદ પ્રહાર જ માત્ર હશે. કે જે પ્રહારથી તું પોતે તો બેશુદ્ધ થઈને તાબે જ થઈ ગયો હોત.`                                           -એડિલેડ એ. પ્રોકટર

     `માટે તું તારા પુરુષબંધુની મુદુતાથી તપાસ કર. અને સ્ત્રીભગિનીની તો એથીએ વધુ મુદુતાથી તપાસ કર. તેઓ ધાડ પણ કાં ન પાડતા હોય, પરંતુ આપણે માટે તો એક બાજુએ ખસી જવું એ જ મનુષ્યોચિત કર્તવ્ય છે. ખરેખર, જે અંતઃકરનનો કર્તા છે તે જ માત્ર કોઈ પણ અંતઃકરણની સાચી તપાસ કરી શકે તેમ છે. કેમ કે તે પ્રત્યેક તેંતુને-તેના ભિન્ન ભિન્ન અવાજને-ઓળખે છે; તે પ્રત્યેક કમાનને-તેના ભિન્ન ભિન વલણને-જાણે છે; માટે સમતોલપણાના સંબંધમાં તો આપણે મૌન જ ધારણ કરવું જોઈએ. કારણ કે આપણે કદી પણ તેને આણી શકનાર નથી. કોઈને હાથે કોઈ મોટું કાર્ય થાય છે ત્યારે આપણે તેનું કેટલેક અંશે માપ જ કરી શકીએ છીએ; પરંતુ તે સિદ્ધ થવામાં પડેલો શ્રમ અને નડેલા વિઘ્નોનું ખરું માપ આપણે જાણી શકતા નથી.`                                            -બર્નસ

જેવી રીતે હલકમાં હલકા માનસમાં પણ દેવનો વાસ છે. મોટામાં મોટા મખ્ખીચુસ અને કંજૂસ માનસમાં પણ પરમાર્થી અંશ રહેલો હોય છે અને મોટામાં મોટા કાયરમાં પણ વીરતા રહેલી હોય છે; પરંતુ મહાન સંકટના સમયમાં જ તે બહાર આવે છે. દ્રવ્યલોભ અને વ્યાપારના કઠોર અને સખ્ત નિયમો અનેક ઉદાર માણસોને પણ સ્વાર્થના પિંજરામાં ગોંધી રાખે છે; પરંતુ મહાન સંકટના પ્રસંગો તે કારાગૃહની દિવાલોને તોડી નાખે છે અને તે સમયે તેમનું આખું ય અંતઃકરણ ઔદાર્યના અમીરસની વૃષ્ટિ કરે છે. 

     ઉદારતાને સર્વ વસ્તુ પર શ્રદ્ધા હોય છે. જ્યારે બીજા માણસો કોઈ પણ માણસનો તિરસ્કાર અથવા નિંદા કરે છે ત્યારે ઉદાર માણસ કહે છે કે `થોભો` એ માણસમાં ક્યાંક પણ દેવનો વાસ છે. `માણસોના હેતુ વિષે ઉતાવળથી અભિપ્રાય બાંધતા નહિં. જગત તેમની નિંદા કરતું હોય છે ત્યારે પણ તેઓ કદાચ તેમના હ્રદયમાં ઉદાત ઉદેશોને પોષતા હોય છે.

જ્યારે ફિલાડેલ્ફિયામાં મરકી ચાલતી હતી ત્યારે બીમાર અને મરણપથારીએ પડેલા માણસોનો ત્યાગ કરીને તેમના મિત્રો અને સગાંવહાલાં પણ નાસી જતાં હતા. જ્યારે પૈસા ખરચતાં પણ નર્સ મળી શકતી ન હતી અને જ્યારે મરી ગયેલા માણસોને કોઈ ભૂમિદાહ પણ કરતું ન હતું તથા રોગથી પીડાતા માણસોની ચાકરીએ કરતું નહોતું ત્યારે કઠોરમાં કઠોર, ઠંડામાં ઠંડો અને સૌથી વિશેષ અનાકર્ષક માણસ કે જેનું અંતઃકરણ પાષાણવત ગણાતું હતું તે બહાદુરીથી બહાર આવ્યો. તેણે પોતાનાં નાગરિક બંધુઓનું તે ભયંકર મરકીમાંથી સંરક્ષણ કરવાને માટે પરિશ્રમ કરવામાં કંઇ પણ બાકી રાખ્યું નહિં. તે કોઈ પણ ભયથી ડર્યો નહિં તેમજ દ્રવ્ય ખરચવામાં પણ સંકોચ રાખ્યો નહિં. વેપારધંધાની બાબતોમાં તે મખ્ખીચૂસોનો સરદાર ગણાતો હતો; આર્થિક સંકટમાં સપડાયેલા પોતાનાં વેપારી બંધુઓને તે જરા પણ સહાય કરતો ન હતો; કોઈ પણ પ્રકારની મદદને માટે થયેલી અરજ પણ તે જરા પણ ધ્યાન આપતો ન હતો; કોઇની સાથે મૈત્રી કરવાની તેને દરકાર ના હતી અને તે પાષાણનું હ્રદય કરીને બીજાં માણસોના સંકતો અને અડચણો પ્રત્યે સંપૂર્ણ બેદરકારી દર્શાવતો હતો. તે છતાં પણ બહારથી હ્રદયશૂન્ય જણાતા આ માણસે સ્વેચ્છાથી ફિલાડેલ્ફિયા હોસ્પિટલનું તંત્ર પોતાનાં હાથમાં લીધું. રોગથી પીડાતા માણસોની સારવાર કરી અને મરેલાં મનુષ્યોનો ભૂમિદાહ કર્યો ! ઊંઘ પણ લીધા વિના તેણે સતત કામ કર્યા કર્યું અને અપૂર્વ ભક્તિથી પરિશ્રમ કરીને, તેણે પુષ્કળ દ્રવ્ય એકઠું કર્યું હતું તેમાંથી છૂટે હાથે વાપર્યુ. 

    કોઈ માણસની નિંદા સાંભળો તો તેનો અર્ધો ભાગ જ સાચો માનજો અને જો કોઈના વખાણ સાંભળો તો એમ માનજો કે તે માણસ તેથી પણ બમણા માનને પાત્ર છે.

    બીજાં માણસોના દોષો જોવા એ બહુ સહેલું કામ છે. બીજાઓના બોજાઓ આપણને બહુ હલકા લાગે છે. કેમ કે આપણાં પોતાનો શોક સિવાય બીજા બધાઓના શોક આપણે સહન કરી શકીએ છીએ. 

     એક માણસ કહે છે કે માણસો ચૌદ ભૂલો કરે છે કે—

૧.   સત્ય અને અસત્યની તુલના કરવાને પોતાનું ધોરણ યોજવું.  

૨.   એ પોતાનાં જ ધોરણથી માણસોનું તોલન કરવું 

૩.   આપણાં પોતાનાં જ માપથી બીજાઓનો આનંદ માપવો. 

૪.   સર્વ કોઈના મત સરખા જ હોવા હોઈએ એવી આશા રાખવી. 

૫.   યુવાવસ્થામાં તુલનાશકતી અને અનુભવની આશા રાખવી. 

૬.   સર્વ કોઈના ગુણ-કર્મ-સ્વભાવ સરખાં કરવા મથવું 

૭.   નજીવી ચીજોને તાબે થવું.  

૮.   પોતાનાં કાર્યોમાં સંપૂર્ણતાની આશા રાખવી 

૯.   જેનો ઉપાય થઈ શકે એમ ન હોય તે વિષે શોક કરવો અને બીજાને શોકમાં નાખવા.

૧૦. જે વસ્તુઓ સમાવી દેવાની જરૂર હોય તે સમાવી દેવી નહિં  

૧૧. બીજા માણસોની અશક્તિ તરફ ધ્યાન ન આપવું.   

૧૨. આપણે જે કાર્ય ન કરી શકીએ એવા સર્વ કાર્યો અશક્ય માનવાં. 

૧૩. આપણું મર્યાદિત મગજ જેટલું સમજી શકે તેટલું જ માત્ર માત્ર માનવું.

૧૪. પ્રેત્યેક વિષય સમજી શકવાની આશા રાખવી.     

     ધાર્મિક મનુષ્યોના મુકુટમાં ઉદારતા, એ સૌથી વિશેષ ચળકતો હીરો છે. પ્રત્યેક મનુષ્યમાં થોડી ઘણી દુર્બળતા તો અવશ્ય હોય છે. પરંતુ તે આપણે માફ કરવી જોઈએ. પ્રત્યેક મનુષ્યમાં કેટલીક વિચિત્રતા હોય છે; પણ તે નભાવી લેવી જોઈએ. પ્રત્યેક મનુષ્યને કેટલીક વસ્તુઓ પ્રત્યે તિરસ્કાર હોય છે; પરંતુ આપણે તે વસ્તુઓનું તેમને સ્મરણ કરાવવું ન જોઈએ. પ્રત્યેક મનુષ્યમાં કેટલીક કુટેવો હોય છે, પરંતુ આપણે તે સહન કેરી લેવી જોઈએ. પ્રત્યેક મનુષ્યના કેટલાક નિશ્ચિત મતો હોય છે; પરંતુ તે પ્રત્યે આપણે માનની નજરે જોવું જોઈએ. પ્રત્યેક મનુષ્યમાં કેટલીક ખાસ લાગણીઓ અને મુદુ ભાવનાઓ હોય છે; પરંતુ આપણે તેનો આદર કરવો જોઈએ. 

     શેક્સપિયર કહે છે કે, `કોઈ પણ માણસના દોષ કાઢશો નહિ, કારણ કે આપણે બધાયે દોષવાળા છીએ. 

     એક તરુણ સુંદર, આનંદી, અને બળ તથા ઉત્સાહથી ભરેલી છોકરી હતી. તે પરણી અને તેણે ચાર છોકરા થયા. કેટલોક સમય વિત્યા પછી તેનો સ્વામી એક પણ પાઈ પોતાની પાછળ મૂક્યા વિના મરણ પામ્યો અને તે સ્ત્રીએ પોતાનાં બાળકોને શિક્ષણ આપવાને માટે વીરતાપૂર્વક પ્રત્યનો કર્યા. તે નિશાળ ચલાવતી; ચિત્રકામ કરતી; સીવણકામ કરતી અને એ રીતે તે પોતાનાં પુત્રોને કોલેજમાં અને પોતાને પુત્રીઓને બોડિંગ સ્કૂલમાં મોકલવાને શક્તિમાન થઈ. પરંતુ તે વાર્તાનો અંત આ પ્રમાણે આવ છે; `જ્યારે તે સંતાનો સુંદર, સંસ્કૃત યુવતીઓ અને સશક્ત યુવાનો થઈને તથા પોતાનાં સમયના સમસ્ત નવીન વિચારો અને ભાવનાઑ સહિત ઘેર આવ્યા ત્યારે તે સ્ત્રી વૃદ્ધાવસ્થાથી જર્જર બની ગઈ હતી. તે સંતાનોને તો તેમના તેમનાં પોતાનાં જ કાર્યો અને પોતાનામાં જ સાથીઓ ગમતા હતા. તે તમની વચ્ચે બે ત્રણ વર્ષ સુધી જીવી અને ત્યાર પછી હ્રદય બંધ પડી જવાથી મરણ પામી. આ પ્રહારથી તે સંતાનોને પોતાની માતાની ખરી કિંમત સમજાઈ. તે બેભાન સ્થિતિમાં પડી હતી તે સમયે તેઓ વાંકા વળીને તેના મુખારવિંદનું દર્શન કરતાં હતા. તેના મોટા પુત્રે તેને હાથમાં પકડી ગદગદ કંઠે કહ્યું કે, `માડી ! તું અમારે માટે ભલી માતા નીવડી છે. `તે સ્ત્રીના મુખ પર ફરીથી લોહી ધસી આવ્યું તેની આંખમાં આનંદની જ્યોતિ જાગી ઉઠી અને ધીમા સ્વરે તે બોલી કે `જોન તેં પૂર્વે કદી પણ આ પ્રમાણે કહ્યું નથી. ત્યાર પછી તે મરણ પામી. 

     ભલા સમ્રાટ થિયોડોસિયાસે એવી આજ્ઞા ફરમાવી હતી કે, `મારી નિંદા કરનાર કોઈ પણ માણસને શિક્ષા કરવી નહિં, કારણ કે- 

     `જો તે મજાકમાં કરી હોય તો તેને હસી કાઢવી જોઈએ. જો તે વિરોધાભાવે કરી હોય તો તેને ક્ષમા આપવી જોઈએ. જો તે સાચી હોય તો તેનો આભાર માનવો જોઈએ.` 

     બીજાઓ પર ટીકા કરટી વખતે આપણે જેટલી કાળજી તેમનાં દોષો અને એબો પ્રકટ કરતાં હોઈએ તેટલી જ કાળજી આપણે તેમનાં સદગુણો અને સુંદરતાઓ પણ પ્રકાશિત કરવી જોઈએ. આ વાત યાદ રાખજો કે, જો બીજા ગુણોમાં સમાન હોય તો, જે પુરુષ અથવા સ્ત્રી. બીજાઓની ઊંચામાં ઊંચી કિંમત આંકે છે તે પોતે જ ઉચ્ચમાં ઉચ્ચ છે. 

    ઉદારતાને સ્વાર્થની સ્પૂહા હોતી નથી. જે માણસ સ્વાર્થી હોય છે તે ખરો શ્રીમંત થઈ શકતો નથી. પર્વતોમાંનો ઝરો પર્વતની બહાર નીકળીને ફેલાય તો જ ખિણને ફળદ્રુપ કરી શકે છે; તેમ દ્રવ્ય પણ પરાર્થે ખર્ચાય તો જ લાભકારક થાય છે. પાણીનો ઝરો પર્વત પરથી નીચો ઘસી આવે છે ત્યારે તે ઘાસનાં બીડોને લીલાંછમ કરી મૂકે છે અને તેના તટ પર પુષ્પો ખીલી નીકળે છે. તેને અટકાવવામાં આવતાં ખીણ સુકાય જશે અને પુષ્પો તથા ઘાસ કરમાઈને નષ્ટ થશે. વળી ગોંધાયેલું પાણી પણ અસ્વચ્છ અને ગંદું બની જાય છે. તેથી મૃગ આવતાં નથી અને પીએ તો તે હિતકારક થવાને બદલે અહિતકારક થઈ પડે છે. પૈસાના સંબંધમાં પણ આ પ્રમાણે બને છે. તેનો છૂટે હાથે ઉપયોગ થાય છે ત્યારે જ મનુષ્યોનું હિત કરે છે; અને જો તેને એકઠો કરી દાટી રાખવામાં આવે; મોજશોખ પાછળ ખરચી નાખવામાં આવે અથવા તેનો દુરુપયોગ કરવામાં આવે તો તેથી મનુષ્યનું અહિત જ થાય છે. એના માલીકનું અંતઃકરણ પથ્થરના જેવુ સખ્ત થઈ જાય છે; સહાનુભૂતિની ભાવના તેમાંથી સુકાઈ જાય છે અને અંતઃકરણ ઉજ્જડ બની જાય છે. 

     તું આપ એટલે તને આપવામાં આવશે. જે માપથી તું બીજાઓને માપશે તે માપથી બીજાઓ તને માપશે. જે બીજ થોડા વાવે છે તેમણે ફળ પણ થોડાં જ મળશે. લોકહિત માટે જે માણસને આપવાની ઈચ્છા હોય છે તેણે સંકોચ કરવો જોઈએ નહિં. તેણે ખુદ કુદરત જેટલા વિશાળ અને ઉદાર થવું જોઈએ. મહાપુરુષો પોતાનાં અંતઃકરણ પર આધાર રાખે છે; પૈસાની થેલી પર આધાર રાખતા નથી. 

     દાન કરવાનો ઉત્તમૌત્તમ ફાયદો એ હોય છે કે, આપણે જે આપીએ છીએ તેના કરતાં વધારે સારું પ્રાપ્ત કરીએ છીએ. ક્રિયા કરતાં પ્રતિક્રિયા મોટી હોય છે. આપણે ગરીબ અને દુઃખી લોકોને માત્ર આપણો સમય અને દ્રવ્ય જ આપીએ છીએ પરંતુ તેના બદલામાં આપણે ઉદારતા અને પરોપકારવુતિ કે જે મહાન દૈવી ગુણો છે તેને આપણામાં ખીલવીએ છીએ. 

      હું ઘણીવાર આશ્ચર્ય સહિત વિચાર કરું છુ કે જો દયાળુ પ્રભુએ આપણી વચ્ચે ગરીબ અને કંગાલ માણસો મૂક્યા ન હોત તો મનુષ્ય જાતિની સ્વાર્થવુતિ અને હ્રદયશૂન્યતા ક્યાં જઈને અટકત? સર્વ શક્તિમાન પ્રભુએ માનવ હ્રદયમાં જે ઉદારતા અને પરોપકારવુતિનાં બીજ વેરી નાખ્યા છે તેને ઉગાડી જીવતાં રાખવાને ગરીબ લોકોનાં સંકતો જ ઉત્તેજિત કરે છે.  ઉદાર માણસ સહાય કર્યા વિના રહી શકતો નથી. 

ઔદાર્ય કેવું રાખશો
Image Source – Google image by Chrissy Sexton  https://www.earth.com/news/generosity-cooperation-contagious/
  

No comments