Header Ads

આળસથી હંમેશાં દૂર રહો

 આળસથી હંમેશાં દૂર રહો


     જેવી રીતે નિર્બળ છોડમાંથી નિર્બળ વૃક્ષ થાય છે તેવી રીતે આળસુ છોકરો પણ આળસુ માણસ જ બને છે. આળસ હમેશાં વધતું જ જાય છે. કરોળિયા જાળાના તંતુ તરીકે તેનો પ્રારંભ થાય છે અને મજબૂત લોઢાની સાંકળના રૂપમાં તે અંત પામે છે. આળસુ માણસ ઘણું જ ધીમેથી ચાલે છે અને ગરીબાઈ તેને તત્કાળ પકડી પાડે છે. આળસુ થવું એ ગરીબ થવા સમાન છે. જેઓ અવકાશ કમાયા હોય છે તેમને તે મધુર લાગે છે પણ જેઓ તેને વિનામુલ્યે લે છે તેને તે બોજા સમાન થઈ પડે છે.
    ડિકન્સ કહે છે કે `સંતાતા ફરવું, નવરા ફર્યા કરવું, કાંઈ કારણ વિના મહોલ્લાને નાકે ઊભા રહેવું, ફાવે ત્યાં જવું, કોઈ ખાસ સ્થળે જવાના બદલે ઉદેશ વિના અનેક સ્થાને ભટકવું, પ્રત્યક્ષ કામ કરવું નહિં પરંતુ `કાલે અથવા પરમ દહાડે પુષ્કળ કામ કરીશું` એમ મુલતવી રાખ્યા કરવું, એ આળસના પ્રાથમિક બાહ્ય ચિહનો છે.
     કામ કરતો કોઈ પણ માણસ કંગાલ હોતો નથી. ઇંગ્લેન્ડમાં એક સમયે આળસુ માણસોને- ખાસ કરીને ભિક્ષુકોને-મોતની શિક્ષા થતી હતી. આળસના પ્રથમ ગુનાને માટે ફટકા મારવામાં આવતા હતા. બીજા ગુના પછી અપરાધીનાં કાનનો ઉપલો ભાગ કાપી નાખવામાં આવાતો હતો અને ત્રીજો ગુના થતાં તેને કારાગૃહમાં પુરાવામાં આવતો. તે દેશમાં એવો કાયદો હતો કે `જો કોઈ માણસ નવરો ભટકતો, આળસુ રહેતો અને અપરાધ કરતો જાણાશે તો તેને રાજ્યનો શત્રુ અને દેહાંતદંડને પાત્ર ગણી તેના પર કામ ચલાવવામાં આવશે.`   
     લોર્ડ ચેસ્ટરફીલ્ડે પોતાના પુત્રને લખ્યું હતું કે `આળસને હું એક પ્રકારનો આપઘાત ગણું છુ, કારણ કે તે દ્વારા મનુષ્યત્વનો સંપૂર્ણ નાશ થાય છે. પછી ભલેને પશુવૃતિ વિધમાન રહેતી હોય.`
     અમુક માણસ આળસુ અને ચંચળ મનનો છે એવી અપકીર્તિ લોકોમાં ફેલાવાથી તરુણ પુરુષને જેટલી હાનિ થાય છે અને તેની ભાવિ આશાઓની જેટલી પાયમાલી થાય છે તેટલી બીજી કોઈ પણ વસ્તુથી થતી નથી. કામમાં વિલંબ અને ઢીલ કરનારા માણસો આળસુ કરતાં પણ ખરાબ હોય છે-તેઓ આળસુના સરદાર હોય છે હોય છે. માણસની ઉન્નતિનો આધાર ઘણે અંશે તેની કીર્તિ ઉપર રહેલો હોય છે-બીજા લોકોના અભિપ્રાય ઉપર રહેલો હોય છે. વિલંબ કરનાર માણસને મદદ કરવાને અથવા તેની પ્રશંસા કરવાને કોઈ પણ માણસ ખુશી હોતો નથી. જો એક તરુણ માણસને બીજાઓની સહાય મેળવવાની ઈચ્છા હોય તો પણ ચપળ, સામર્થ્યવાન, દ્રઢ ઉત્સાહી અને સત્યવાદી તરીકે નામના મેળવવી જોઈએ, એના વિના સફળતા મળવી અશક્ય છે.

`આળસ એ જીવતા મનુષ્યની કબર છે.` `ધંધાની ગેરહાજરી એ કાંઈ વિશ્રાંતિ નથી.`             -કાઉપર

    ગુમાઈ ગયેલું દ્રવ્ય ઉધોગથી મળશે; ગયેલું આરોગ્ય મિતાહારથી પુનઃ મળશે; ભુલાઈ ગયેલું જ્ઞાન અભ્યાસથી તાજું થશે; પરંતુ ગુમાઈ ગયેલો કલાક કોણે ફરીથી જોયો છે ? ખોવાયેલી તક કોણે પાછી મેળવી છે ?`        -મિસિસ સિગુનિ                                                                    `આળસુ માણસ બંને કાંટા વિનાના ઘડિયાળ જેવો છે; કાંટા વિનાનું ઘડિયાળ ચાલુ હોય કે બંધ હોય તોપણ તે એકસરખું જ નિરુપયોગી છે.`                                                       -કાઉપર

     `કાંઈ પણ ન કરવું એ ખોટું કૃત્ય કરવાની શરૂઆત અથવા ઉમેદવારી છે.`     -ડબલ્યુ. એફ. ક્રેકટસ

`કાટનાં લોખંડની પેઠે  મનુષ્યઆળસથી વહેલો ખવાઈ જાય છે.`                     -ફ્રેકિલન

     `જો તમે પ્રમાદી હો તો તમે વિનાશના માર્ગ પર છો અને તેની ઉપર અટકાવનાં સાધન થોડાં હોય છે.તે રસ્તો નથી પણ ખાઈ છે.`                                               -એચ. ડબલ્યુ. બીચર

     `ઘંટીનો પથ્થર અને મનુષ્યનું હ્રદય હમેશાં ચક્રાકાર ફર્યા જ કરે છે. જો તેમની પાસે બીજું કાંઈ દળવાનું હોતું નથી તો તો તેઓ પોતાના અંગને જ દળી નાખે છે.                         –વોન લોગો

     `કામ એ પ્રત્યેક મનુષ્યનો પ્રાણરક્ષક છે.`                                      -જ્યોર્જ બી. એમર્સન  

   `પરિશ્રમ એ જીવન છે. ગોંધઈ રહેલું પાણી બગડી જાય છે. આળસુ માણસો નિરાશ થયા કરે છે; શોક કર્યા કરે છે.ઘડિયાળને બંધ રાખશો તો તેની ઉપર કાળાકાટનો હુમલો થશે`.          -મિસિસ ઓસ્ગુડ

     `દક્ષિણ તરફના પ્રદેશમાં એક જાતનું પતંગિયુ થાય છે. તે જ્યારે ઊડતું હોય ત્યારે જ માત્ર પ્રકાશે છે. મનના સંબંધમાં પણ વસ્તુસ્થિતિ આવી જ છે. એક વાર આપણે આળસ કર્યું કે આપણાં આત્મા પર અંધકારનું આવરણ ચ ઢેછે .`                                                          -બેઈલી

      એક આળસુ માણસની ખરાબ આદતો ગણી બતાવવાનું જ્યારે સ્પર્જિયનને કહેવામાં આવ્યું ત્યારે તે કહેવા લાગ્યો તે તો બહુ જ એદી છે-`જે વૃદ્ધ ધર્માચાર્ય પાસે તે આ વાત કરતો હતો તે આ સાંભળીને વચ્ચે જ પોકારી ઊઠયો : `બસ ! આ એક જ પાપમાં સર્વ પ્રકારનાં પાપોનો સમાવેશ થયો છે.

     `આળસુ મગજ એ સેતાનનું કારખાનું છે.` ખરેખર `બીજા માણસોને સેતાન લલચાવે છે, ત્યારે આળસુ માણસ સેતાનને લલચાવે છે.` બીજી કોઈ પણ વસ્તુ કરતાં આળસને લીધે ગુના વધારે થયા છે અને વધુ દરિદ્રતા  આવી છે.

     કંઈ પણ ધંધારોજગાર વિનાના માણસોથી જ ઘણેભાગે કેદખાનાં ભરાય છે. કહેવાય છે કે, મેસેચયુસેટસના કારાગૃહમાંનાં કેદીઓમાં નેવું ટકા ધંધા વિનાના હતા. 

     આળસ એ લુચ્ચો ચોર છે. તે એકાદ મિનિટ આ કામમાંથી ચોરી લે છે, થોડીક મિનિટ પેલા કામમાંથી ચોરી લે છે. તો તે તમારા કોઈને કોઈ કામમાંથી પા અર્ધો કલાક કાપી જ લે છે. આપણે દિનપ્રતિદિન પ્રાતઃકાળમાં એવો નિશ્ચય કરીએ છીએ કે, આજે આલસમાં એક પળ પણ ગુમાવી નથી; પરંતુ દરરોજ રાત્રે આપના ગુસ્સા સહિત પ્રમાદની નાની નાની ચોરીઓ જોવી પડે છે. તે તમને `માત્ર એક જ પળ` થોભવી રાખે છે. પરંતુ એટલામાં તો આગગાડી ચાલી જાય છે. તે તમને `માત્ર એક જ પળ` થોભાવી રાખે છે; પરંતુ એટલામાં બેન્ક બંધ થઈ જાય છે. તે તમને તમારા ઘરનો વીમો આવતી કાલે ઉતરવવાનું કહે છે; પરંતુ ઘર આજે રાત્રે જ બળી જાય છે.તે તમને આવતી કાલે જગ્યા માટે અરજી કરવાનું કહે છે પરંતુ તે જગ્યા આજે જ પુરાઈ જાય છે. તે તમને નિશાળમાં સુસ્ત બનાવે છે. તે તમને સર્વ કામમાં સહેજ મોડા પાડે છે. પરંતુ તેથી અંતે તમે ચપળતા માટેની તમારી કીર્તિ ગુમાવી દો છો અને તમારી આંટ ખોઈ દો છે.
     પ્રત્યેક યુવાને પોતાના અભ્યાસગૃહમાં અથવા દિવાનખાનામાં `સમય ગુમાવનારાઓ`ની એક યાદી લટકાવી રાખવી જોઈએ. આમાંના કેટલાક નીચે પ્રમાણે છે :-
 ૧. વિલંબ કરવો, ૨. અર્ધુ કામ કરવું, ૩. ધ્યાન આપ્યા વિના કામ કરવું, ૪. દુર્બળતાપૂર્વક કામ કરવું, ૫. ઝાઝી નિંદ્રા લેવી, ૫. મોડા ઊઠવું, ૬. વિના કામે મુલાકાત લેવી-ભટકવું, ૭. કામને ધિક્કારવું, ૮. માત્ર કામને ખાતર જ કામ કરવું, ૯. બહુ વધારે કામ કરવું, ૧૦. મગજ અશક્ત અને કંટાળેલું હોય ત્યારે અભ્યાસ કરવો, ૧૧. કામ વિના પત્રો લખવા, ૧૨. આરોગ્ય અથવા વિશ્રાંતિને માટે જરૂરની ન હોય એવી ગમ્મતો ઉડાવવી, ૧૩. મુલાકાત લેવા આવનારાઓની સાથે કલાકોના કલાકો સુધી ગપ્પાં માર્યા કરવાં, ૧૪. કલ્પનાઓ કર્યા કરવી, મિથ્યા તડાકા માર્યા કરવાં, ૧૫. હવામાં કિલ્લા બાંધ્યા કરવાં, ૧૬. બગાસાં ખાધા કરવાં, ૧૭. ઉદેશ વિના મુસાફરી કરવી,૧૮. મૂર્ખાઈ ભરેલી વાતો વાંચવી, ૧૯. કામને મુલતવી રાખવું, ૨૦. અધૂરું કામ કરવું ઈત્યાદી ઈત્યાદી.
       આળસુ મગજ તેને પોતાને કોરી ખાય છે. તહેવારના દિવસો, સાંજના ફુરસદના કલાકો, નવરાસની થોડીક પળો-એ જ મનુષ્યના સઘળા ચારિત્ર્યની કસોટી કરે છે. કેમ કે કસોટીની એવી પળો ઉધમના સમયમાં નથી આવતી.
     જો તમે એક યુવાન પુરુષનું ચારિત્ર્ય જાણવા માગતા હોય તો તે પોતાના અવકાશના સમયમાં શું કરે છે તેની માહિતી મેળવો. તે પોતાના અવકાશના સમયનો કેવો ઉપયોગ કરવાની ઈચ્છા રાખે છે ? અવકાશના કલાકો તેને કેવા લાગે છે ! તે એ સમયમાં શિક્ષણ મેળવવા કે આત્મવિકાસ કરવાં ઈચ્છે છે? અવકાશની પળો અને અર્ધા દિવસની રજાઓ બીજા માણસો વ્યર્થ ગુમાવી દે છે તેમાં એકાદ ઉત્તમ ગ્રંથ વાંચવાને ઈચ્છે છે કે પછી મેચ જોવામાં, ગંજીફો ખેલવામાં કે બીજી રીતે તે વખત ગાળે છે ?
     આપણું મગજ હમેશાં પ્રવુતિશીલ જ રહે છે અને જો આપણે તેને સત્કાર્યોમા સદા રોકી રાખતા નથી તો તે તેનો પોતાની જાતનો જ ચારો કરી જાય છે અને પોતાના જીવનતત્વોનો જ ભક્ષ કરે છે. નિશ્ચિત કાર્ય વિનાનો માણસ તરત જ રોગીષ્ઠ મનનો ભોગ થઈ પડે છે. ઉદાસી અને નિરાશા તેના પર હલ્લો કરે છે અને તેની મહત્વાકાંક્ષા તથા સુખને કરી લે છે.
    પ્રકૃતિ જણાવે છે કે, જો તમે થાકી જાઓ ત્યાં સુધી પરિશ્રમ કરશો તો જ હું તમને સુમધુર આરોગ્યદાયક નિંદ્રા અને કકડતી ભૂખ આપીશ, કે જેનું સુખ પ્રમાદી અને આળસુ માણસોના ભાગ્યમાં કદી પણ હોતું નથી. પ્રકૃતિ પોતાની આ ઉત્તમ બક્ષિસો ખાસ પોતાનાં સખ્ત મહેનત કરનારાં પ્રિય બાળકો માટે જ રાખી મૂકે છે. તેમનો પગાર ઓછો હોવાથી તે તેમણે જગતનું વૈતરું કરવાને માટે આ વધારાની બક્ષિસ આપે છે.
 બીજા માણસો જ્યારે કામ કરતાં હોય ત્યારે જે માણસ મહિનાઓના મહિનાઓ સુધી ગજવામાં હાથ ઘાલીને ઊભો રહે છે તેના હાથ તરત જ બીજા માણસોના ગજવામાં પાસશે. (એટલે કે તે ચોરી કરતાં કે ભીખ માગતાં શીખશે.                                                                               બેદરકારી બહુ ભયંકર છે
જો તમે તમારા મગજ તરફ દુર્લક્ષ્ય કરશો તો તે અશક્ત થઈ જશે.
જો તમે તમારા હાથ તરફ બેદરકાર થશો તો તમે કંગાલ બની જશો.
જો તમે તમારા પાડોશી પ્રત્યે દુર્લક્ષ્ય કરશો તો તમે સ્વાર્થી બની જશો.
જો તમે તમારા આત્મા પ્રત્યે બેદરકારી કરશો તો તમે સેતાન બની જશો.
    કાર્લાઈલ કહે છે કે `કામમાં અમર ઉચ્ચતા અને પવિત્રતા છે. જો પ્રમાણિકપણે અને આતુરતાપૂર્વક કામ કરનાર માણસનું હ્રદય પોતાની ઉચ્ચતાનું વિસ્મરણ કરતું નથી તો તેનામાં હમેશાં આશા રહે છે. માત્ર આળસુ માણસમાં જ સદાસર્વદા નિરાશાનો વાસ હોય છે.`
    જોન સ્ટુઅર્ટ મિલ કહે છે કે `તું જે ઉત્તમોત્તમ કાર્ય કરવાને શક્તિમાન હોય તે કાર્ય તને મળે ત્યાં સુધી અવિશ્રાંત પરિશ્રમ કાર.`
     એવા ઘણા માણસો હોય છે કે જે મારી પાસેથી એક પાઇ ચોરી લેવા કરતાં પોતાનાં હાથ કાપી નાખવાનું વધુ પસંદ કરે; પરંતુ આવા હજારો પ્રમાણિક માણસો મારી પાસે આવીને મારા અમુલ્ય સમયમાંથી એકાદ કલાક ચોરી લેતાં જરાયે અચકાતાં નથી ! જે માણસ એક સાર્વજનિક કાર્યકર્તાનો અથવા નોકરનો સમય ચોરી લે છે તે એક પ્રજાનો સમય લૂટી  લે છે.
ધંધા વિનાના માણસોની મુલાકાતોથી ધંધાદારી માણસનું જેટલું અહિત થાય છે તેટલું અંહિત બીજા કશાથી થતું નથી. ભોગવિલાસમાં ઊછરી પરાવલંબી બનવા કરતાં સ્વાવલંબી અને મનુષ્યજાતિને ઉપયોગી થવા ખાતર તગારાં ઊંચકવા એ સારું છે.

   `મારા પુત્ર ! કામ કર, કામ કર, ડર નહી. મજૂરીની સામે હિંમતભરી દ્રષ્ટિએ જો; હથોડો અથવા કોદાળી લે અને તારી હલકી જગ્યાને માટે બિલકુલ શરમાયા વિના કામ કર્યે જા.`

    `પરિશ્રમથી આપણને શોકમાં શાંતિ મળે છે; નાની વ્યથાઓમાં વિશ્રાન્તિ મળે છે; હમેશાં પાપની લાલચોમાંથી બચી શકીએ છીએ અને સાંસારિક ઉપાધિઓમાંથી આરામ મળે છે. કામ કરશો એટલે તમને ઘસઘસાટ નિદ્રા આવશે અને કામ કરશો એટલે તમારી સર્વ ચિંતાઓ ટળી જશે. માટે નિરાશ બનીને સૂતા સૂતા આંસુ પાડ્યા ન કરતાં મજબૂત હ્રદય અને દ્રઢ ઇચ્છાથી ઊઠીને કામ કરો.`      -એફ. એસ. ઓસ્ગુડ.

  

आलस्य,
Image Source – Google image by  https://www.simplemost.com/why-people-are-lazy-and-5-ways-to-overcome-laziness/


No comments