જ્યાં જુઓ ત્યાં તક અને તક જ છે
જ્યાં જુઓ ત્યાં તક અને તક જ છે
Image Source – Google image by https://www.canva.com/templates/EADaogGBMIg-minimal-short-story-book-cover/ |
જે દુનિયામાં અનેક નિર્ધન માણસો શ્રીમંત બની જાય છે અને જે મૂલકમાં હલકામાં હલકી સ્થિતિમાં જન્મેલા માણસો ઉચ્ચમાં ઉચ્ચ દરજ્જા પર આરુઢ થાય છે તે દુનિયામાં તક ન હોય એ કેવી ન માનવા જેવી વાત છે ! જગતમાં જેઓ સંધિઓને ઈચ્છે છે અને તેનો ઉપયોગ કરી જાણે છે તેમને માટે પુષ્કળ સંધિઓ છે; પેલો નિરાશાના કિલ્લામાં આવી પડેલો યાત્રાળુ કે જે તેના દરવાજાની કૂંચી સઘળો વખત પોતાની હતી છતાં પણ વાપરવાનું ભૂલી ગયો હતો; તેની પેઠે આપણે પણ સદ્પ્રવુતી કરવાની આપણામાં રહેલી શક્તિ તરફ નજર જ નાખતા નથી ઈશ્વરે આ શક્તિ સબળમાં સબળ માણસને આપેલી છે તેમ દુર્બળ માણસને પણ આપેલી છે. આપણે બાહ્ય સહાય પર વધુ આધાર રાખીએ છીએ `નજીકની ચીજોને માટે આપણે ઘણે દૂર-બહુ ઊંચે તાકયા કરીએ છીએ.`
બાલ્ટિમોરની એક સ્ત્રી એક વાર નાચપાર્ટીમાં ગઈ હતી. ત્યાં તેની હીરાજડિત પોંચી ખોવાઈ ગઈ. તેને ધાર્યું કે મારા જભ્ભાના ગજવામાંથી તે કોઈએ ચોરી લીધી છે. ઘણાં વર્ષો પછી તે નિર્ધન બની જવાને લીધે એક દિવસ પીબોડી ઇન્સ્ટિટયૂટનાં પગથિયાં પર ઊભી ઊભી અન્ન શી રીતે મેળવવું તે વિષે વિચાર કરતી હતી. પોતાના મસ્તક પર નાખવાનું કપડું બનાવવાને માટે પોતાનો એક જૂનો, ઘસાઈ ગયેલો, ચીંથરિયો જભ્ભો કાપી નાખતા તેના અસ્તરમાંથી તેને પેલી હીરાજડિત પોંચી જડી ! આથી તેનો આનંદનો પાર રહ્યો નહિં જોકે પોતાના દારિદ્રના સઘળા સમયમાં તે, એ સાતસો પૌંડની મિલકત ધરાવતી હતી; પરંતુ એ વાત તે જાણતી ન હતી.
પોતાને ગરીબ માનનારા ઘણાં માણસો જો માત્ર હીરાજડિત પોંચી કરતાં વિશેષ મૂલ્યવાન અને વિશેષ નિકટ એવી તકોનું અને પોતામાં રહેલી શક્તિઓનું અવલોકન કરે તો તેઓ શ્રીમંત જ છે. જે યુવાન પોતાની ચાલુ સ્થિતિમાં કાંઈ પણ તક જોઈ શકતો નથી અને બીજી કોઈ સ્થિતિમાં વધારે સારું કાર્ય કરીશ એમ જ ધાર્યા કરે છે તે ખરેખર દુર્ભાગી જ છે.
તમારી પાસે જ તમારું સ્થાન અને કાર્ય છે, સર્વથી પ્રથમ તેને જ શોધી કાઢો અને પ્રાપ્ત કરો, આ પંક્તિઓ વાંચનાર કોઈ પણ મનુષ્ય એવો ભાગ્યેજ હશે કે જેને અન્ય હજારો અસામાન્ય મનુષયોના જેવી સફળતા પ્રાપ્ત કરવાની ઉત્તમ સંધિ પ્રાપ્ત ન થઈ હોય. તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તક આવતાં જ તેને ગ્રહણ કરી લેવાને માટે તૈયાર રહેવું જોઈએ. સ્મરણમાં રાખજો કે, ચાર વસ્તુઓ ગયેલી પાછી આવતી નથી; (૧) બોલાયેલો શબ્દ (૨) ફેંકેલું બાણ (૩) ગયેલું જીવન (૪) હાથમાંથી ગયેલી તક જેમ વિશેષ તકોનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ તે દ્વારા બીજી વિશેષ તકો ઉત્પન્ન થાય છે. જેઓ પોતાની શક્તિનો ઉત્તમૌત્તમ ઉપયોગ કરે છે, તેમને જ સરળતાથી નવીન સંધિઓ પ્રાપ્ત થાય છે. ઇમર્સને કહ્યું છે કે, વિશ્વ હવે કામ કરનારાઓના હાથમાં માટી સ્વરૂપે રહ્યું નથી પરંતુ ત લોહસ્વરૂપ બની ગયું છે; અને માણસોએ હવે સતત જોશપૂર્વક હથોડા મારી મારીને જ પોતાના માટે સ્થાન પ્રાપ્ત કરવું પડે છે.
`પ્રત્યેક મનુષ્યના જીવનમાં એક ઉત્તમ સમય આવે છે, એકાદ દિવસે, એકાદ રાત્રે, એકાદ પ્રાતઃ કાળે, એકાદ મધ્યાહનકાળે કે સાયંકાળે, એક લાભદાયક કલાક-એક તકની પળ મળી જ આવે છે. એકાદ ક્ષણ એવી આવે છે જ, કે જ્યારે સિદ્ધિનો ઉત્તમ પ્રકાશ વિસ્તરે છે; એકાદ ઘડી એવી આવે છે જ, કે જ્યારે આપણું ભાગ્ય ખૂલી નાય છે. અહા, તે માણસ સુખી છે કે જે તેવા સમયની પ્રતિક્ષા કરી જાણે છે અને વળી તપાસી, કામ કરી તથા ઉત્સાહપૂર્વક ભાગ્યની પહોળી ગરદન અને ખંભા પર ઊભા રહી જાણે છે તથા ભાગ્યના મહાન ઘડિયાળમાં જ્યારે `હમણાં` નો ટકોરો થાય છે ત્યારે તકના પસારેલા હાથમાંથી મોટા પરિણામ ઉઠાવી લઈ ચાલુ પળને પકડી લે છે. –મેરી એ. ટાઉનસેન્ડ
`પ્રત્યેક મનુષ્ય અને પ્રેત્યેક પ્રજાના જીવનમાં એક વાર સત્યાસત્ય વચ્ચેના યુદ્ધમાં, સત્પક્ષમાં જવું કે અસત પક્ષમાં જવું તેનો નિર્ણય કરવાની તક-પળ આવે છે જ.` -લોવેલ
`જે માણસ તકનો ઉપયોગ કરી શકતો નથી તેને તે શું કામની છે ? -જ્યોર્જ ઇલિઅટ
`મનુષ્યની ઉત્તમોઉત્તમ વસ્તુ તેની નજીકમાં નજીક-તેના પગ પાસે જ પડેલી હોય છે.` - આર. એમ. મિન્સ
`તક આવે ત્યારે તેને તત્પરતાપૂર્વક ગ્રહણ કરી લેવી એ જીવનસાફલ્યની ચાવી છે.` - ડિઝરાયલી
હજારો માણસોએ, જે ક્ષુદ્ર વસ્તુઓ તરફ બીજાઓ જોતાં પણ નથી તેમાથી મોટી મોટી સંપત્તિ મેળવી છે. જે પુષ્પમાંથી કરોળિયાને વિષ પ્રાપ્ત થાય છે તેમાથી જ મધમાખી મધ મેળે છે. આવી જ રીતે ચામડાના ટુકડા રૂ, ધાતુ વગેરેના કચરા જેવી સાધારણમાં સાધારણ અને ક્ષુદ્રમાં ક્ષુદ્ર વસ્તુઓમાંથી કેટલાક માણસો મોટી સંપતિ મેળવે મેળવે છે. મનુષ્યના સુખસગવડમાં વૃદ્ધિ કરનારી કોઈ પણ વસ્તુ, ગૃહનું કોઈપણ રચરચીલું, રસોડાનું એક પણ વાસણ, અન્ન-વસ્ત્રની કોઈ પણ ચીજ એવી નથી, કે જેમાં સુધારો કરવાથી માણસને એક મોટી સંપત્તિ ન મળે.
શું તકો ? તકો તો આપની ચારે તરફ છે. એડિસનને આગગાડીમાં તકો મળી હતી. વિધુત કે જે મનુષ્યનું સર્વ વૈતરું કરે છે અને તેની ઈશ્વરદત્ત શક્તિઓનો વિકાસ કરવાને તેને મોકળો કરે છે. તેના મહાન સામર્થ્ય પ્રત્યે મનુષ્યનું લક્ષ્ય ખેંચવાને આકાશમાં ચમકતી વીજળીએ યુગોના યુગો સુધી ચમકારા મારી મારીને પ્રયત્ન કર્યો હતો. અને તે જ પ્રમાણે પ્રકૃતિને શક્તિઓ આપણને તેનો સદુપયોગ કરવાને હમેશાં પ્રાથના કરે છે; અનેક શક્તિઓ નિરીક્ષક આંખની પ્રતિક્ષા કરી રહેલી હોય છે.
એક નિરીક્ષક દ્રષ્ટિના હજામે વાળ કાપવાની કાતરમાં સુધારો કરવાનો નિશ્ચય કર્યો ! તેણે વાળ કાપવાનો સંચો બનાવ્યો અને તે દ્વારા તે શ્રીમંત બન્યો. ઇનના એક માણસની સ્ત્રી બીમાર હતી તેથી તેણે કપડાં ધોવાની ફરજ પડી. કપડાં કેમ ધોવાય છે તે એ પહેલા કદી પણ તેના જાણવામાં ન હતું. કપડાં ધોવાની તાત્કાલિક પદ્ધતિ ધીમી અને શ્રમ ભરેલી જણાવાથી તેણે ધોવાનું મશીન શોધી કાઢ્યું અને તે દ્વારા પુષ્કળ દ્રવ્ય સંપાદન કર્યું ! એક માણસ દાંતની વેદનાથી બહુ જ પીડાતો હતો. તે પોતાના મન સાથે બોલ્યોઃ `દાંતની વચ્ચે ખાલી જગ્યામાં જો કાંઈ પુરવામાં આવે તો વેદના માટી જાય. આવો વિચાર કરીને તેણે તેમાં સોનું પૂરવાની પદ્ધતિ શોધી કાઢી.
જગતમાંનાં મહાન કાર્યો કાઈ મોટી સંપત્તિવાળા માણસો દ્વારા થયા નથી. એરિકસને એક નાહવાની ઓરડીમાં બેઠાં બેઠાં સ્ક્રૂ પ્રોપેલર્સ (સ્ક્રૂને ઘાકકેલવાનાં ડિસમિસ) બનાવવા માંડ્યા હતાં ! રૂ લોધવાનો સંચો પહેલવહેલાં એક લાકડાના ઝુપડામાં બન્યો હતો ! જળપ્રવાસને માટે ઉપયોગી ઘટિકાયંત્રનાં મહાન શોધક જોન હેરિસને પોતાની કારકિર્દીની શરૂઆત એક જીર્ણ કોઠારના માથાળા પર કરી હતી ! અમેરીકામાં ચાલેલી પહેલી આગબોટ, ફિચે ફિલાડેલ્ફિયાના એક દેવાલયના ઓરડામાં તૈયાર કરી હતી !મેક કોમિકે પોતાનું સુપ્રસિદ્ધ યંત્ર એક દળવાનાં કારખાનામાં પહેલવહેલું બનાવવા માંડ્યુ હતું ! વુસ્ટરના વિશ્વવિધાલયના સ્થાપક કલાકે એક ઘોડાના તબેલામાં, છોકરાઓ માટે ખેલવાની ગાડી બનાવીને પોતાની મહાન સંપત્તિનો પાયો નાખ્યો હતો ! ફા કવ્હાર એક માળ ભાડે લેવાને શક્તિમાન થયો ત્યાં સુધી તે પોતાની પુત્રીની મદદથી પોતાના બેઠકગૃહમાં છત્રીઓ બનાવતો હતો ! એડિસન પોતાની બાલ્યાવસ્થામાં જ્યારે વર્તમાનપત્રો વેચીને પોતાનો નિર્વાહ ચલાવતો હતો ત્યારે ગ્રાંટ ટ્રંક રેલરોડ પર ચાલતી આગગાડીમાં પ્રયોગો કરીને પોતાની મહાન કારકિર્દીનો પાયો નાખ્યો હતો !
`સોનેરી તક કદી પણ બે વાર આવતી નથી; માટે જે સમયે પણ કર્તવ્ય તમને દિશા બતાવે તે સમયને ગ્રહણ કરી લો. ભયરૂપી સેતાનથી ડરીને હઠી જશો નહીં તેમજ વિલાસદેવી પોતાનાં મંડપમાંથી ઇશારા કરે તો પણ ઊભા રહેશો નહિઁ; પરંતુ બહાદુરીથી તમારા ખાસ લક્ષ્ય તરફ જ આગળ અને આગળ ઘસ્યા જજો.` -એનન
`આળસુ થઈને રાહ જોયા કરતો નહિં કેમકે ભાગ્યદેવી પણ એવી આળસુ છે કે તે પોતાની મેળે તો કદી પણ તારી પાસે આવવાની નથી. કોઈ પણ ક્ષેત્રમાં કામ કર, કામ કરતાં અને સાહસ કરતા ડર નહીં; જો તને શ્રમ કરવાને માટે કોઈ ક્ષેત્રની ખાસ જરૂર જ જણાશે તો તે તને ક્યાંકથી પણ અવશ્ય મળી રહેશે.` -એલન એચ. ગેટસ
`સૌથી વિશેષ નજીકની હિતકારક વસ્તુને માટે કામ કરો: દૂરની મહત્તાનાં સ્વપ્નાં જોયા કરો નહિં. મનુષ્યો પોતાની ચાલુ સ્થિતિમાં રહીને જે કામ કરે છે તે હમેશાં સર્વોત્તમ છે.` -ડબલ્યુ. મોર્લી પુંશ
મહાન પ્રાકૃતિક તત્વવેત્તા ફેરાડે, કે જે એક લુહારનો છોકરો હતો, તેણે પોતાની યુવાવસ્થામાં હંફી ડેવી પર એક પત્ર લખી પોતાને રોયલ ઇન્સ્ટીટ્યુટમાં એક જગ્યા આપવાને માગણી કરી હતી. ડેવીએ આ બાબતમાં પોતાનાં એક મિત્રની સલાહ લીધી. તે બોલ્યો કે, `ફેરોડે નામના ઈક તરુણનો આ એક પત્ર આવ્યો છે. તેણે મારા વ્યાખ્યાનો સાંભળ્યા છે અને તે મારી પાસે રોયલ ઇન્સ્ટીટ્યુટમાં એક જગ્યા માગે છે. બોલો હવે મારે શું કરવું ? તેનો મિત્ર બોલ્યો કે, તેને બાટલી ધોવા રાખો. જો તે કાંઈ પણ કાર્ય કરવાને લાયક હશે તો તરત જ કામ સ્વીકારશે; અને જો તે ના પાડશે તો કાંઈ પણ કામ કરી શકશે નહીં ` પરંતુ જે છોકરો પોતાને મળતા અવકાશના સમયમાં એક વૈધની દુકાનમાં એક જૂની કઢાઈ અને કાચની શીશીઓ વડે પ્રયોગો કરી શકતો હતો; તેને આ બાટલીઓ ધોવાના કાર્યમાં પણ તક જણાઈ અને પરિણામે તે વુલિચની રોયલ ઈન્સ્ટિટ્યૂટમાં અધ્યાપક બન્યો. ટિન્ડોલ તક વિનાના આ છોકરાના સંબંધમાં જણાવે છે કે `જગતનો મોટામાં મોટો પ્રયોગકર્તા વિજ્ઞાની છે.` તે વિજ્ઞાનના ક્ષેત્રમાં તે સમયનો ચમત્કારિક પુરુષ નીવડયો.
શું આગળ વધવાની તકો ? એ તો સર્વત્ર વિધમાન છે. `દુનિયા એ તકોનું જ બીજું નામ છે. દુનિયા એટલી જ તકો`
જો તમને શ્રીમંત થવાની અપેક્ષા હોય તો તમારી જાતને અને તમારી પોતાની આવશ્યકતાઓનો અભ્યાસ કરો. તમને એ પરથી જણાશે કે કોટ્યાવધિ લોકોને પણ આજ આવશ્યકતાઓ છે. સૌથી વિશેષ બિનજોખમી કાર્ય હમેશાં મનુષ્યની પ્રધાન આવશ્યકતાઓ સાથે સાથે સંબંધ ધરાવે છે. મનુષ્યને વસ્ત્ર ને નિવાસ્થાન જોઈએ છે; અન્નપાણી જોઈએ છે; સુખ. સગવડ, મોજશોખ, શિક્ષણ તથા કેળવણીને માટે સર્વ પ્રકારની સુગમતા જોઈએ છે; મનુષ્યજાતિની એ મોટી જરૂરિયાતો જે પૂરી પાડી શકે; સુખસગવડની માગણી પૂરી પાડી શકે અથવા કોઈ પણ પ્રકારે તેમને ઉન્નત કરી શકે એવો કોઈ માણસ મોટી સંપત્તિ મેળવી શકશે.
Image Source – Google image by https://www.canva.com/templates/EADaogGBMIg-minimal-short-story-book-cover/ |
No comments