Header Ads

સ્વાશ્રય કેવી રીતે સાચવવું

સ્વાશ્રય કેવી રીતે સાચવવું

 લાચાર છોકરાઓમાંથી સમૃદ્ધ માણસો બનાવી દે એવું કોઈ પણ કારખાનું જગતમાં હસ્તી ધરાવતું નથી. જેને તમે તકનો અભાવ કહો છો, તે જ તમારી મુખ્ય તક થઈ પડે. તમારે માટે બીજો કોઈ આસન ઘડી આપે એવી કોઈ આશા રાખશો નહિં; તમારી જાતે જ તમારી યોગ્ય બેઠક મેળવી લેજો. તમને બીજો કોઈ માણસ ઊંચે ચડાવે એવી ઈચ્છા રાખશો નહિં પણ તમે જાતે જ ઊંચે ચઢજો.
Self help
Image Source – Google image by https://www.canva.com/design/DAEI95E1b54/LJzveroKA7rObw7Y1SvBtA/edit?category=tAECHDWxBdc
       જે. ટી. ડેવિડસન જણાવે છે કે `મારે તમારા મગજ પર પહેલવહેલી આ વાત ઠસાવવાની છે કે, આપણને સ્વપરિશ્રમથી જ સુકીર્તિ પ્રાપ્ત થાય છે. આપણને વડીલોપાર્જિત સંપત્તિ તરીકે કાંઇ સુખ કીર્તિ મળતી નથી. આપણે તેને દ્રવ્યથી ખરીદી શકતા નથી. આપણને તે દૈવયોગે મળતી નથી; ઉત્તમ કુળમાં જન્મવાથી, ઉચ્ચ દરજ્જો મળવાથી, બુદ્ધિમાન હોવાથી અને શ્રીમંત હોવાથી જ કાંઈ તે  પ્રાપ્ત થતી નથી. તે તો આપણાં પોતાના જ પરિશ્રમના પરિણામ તરીકે પ્રાપ્ત થઈ શકે છે અને આપણાં જ ઉત્તમ સિદ્ધાંતો અને શ્રેષ્ઠ વર્તનનું પરિતોષિક હોય શકે છે. સફળતા આપનાર સર્વ ગુણોમાં સ્વાલંબન કરતાં વિશેષ મહત્વનો  ગુણ કોઈ પણ નથી. આપની પ્રગતિ અને સુકીર્તિના ઉત્પન્ન કરનાર આપણે પોતે જ થવું, એવા નિશ્ચય કરતાં વિશેષ મહત્વનો ગુણ બીજો કોઈ નથી. જો તમારા માર્ગમાં વિઘ્નો આવીને ઊભાં રહેતા હોય; જો તમારી વિરુદ્ધ પ્રચંડ પ્રતિકૂળતાઓ આવી પડતી હોય;તો જ્યાં સુધી તેમને હડસેલી કાઢીને આગળ વધવાનું તમારામાં બળ હોય ત્યાં સુધી તે તમને હાનીને બદલે લાભ જ કરશે, પ્રત્યેક યુવાન પુરુષે આત્મશ્રદ્ધા રાખી પારકા આશ્રય અને આધારરૂપી કાખલાઘોડી અને ટેકાને લાત મારીને આગળ વધવું જોઈએ. ઘણા યુવાનોમાં સારું સત્વ રહેલું હોય છે; પરંતું તેઓ શાંત જીવન પસંદ કરતાં હોવાટી તેઓ કઈ પણ મહત્વનુ કાર્ય કરી શકતા નથી. સાધારણ રીતે જે માણસોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડે છે, તેઓ જ જગતમાં નામના કાઢે છે.`
     જે માણસોએ પોતાની જાત પર જ સૌથી વિશેષ આધાર રાખ્યો છે; તેમણે જ સૌથી વિશેષ ઉન્નતિ પ્રાપ્ત કરી છે.
      નીરોગી લોહી, વિશાળ વ્રક્ષ:સ્થળ, મજબૂત પિંડી સશક્ત સ્નાયુઓ અને દ્રઢ શરીર ધરાવતો યુવાન અદબ વાળીને સહાયતાની જ વાટ જોતો ઊભો રહે, એ વિશ્વનાં અધમાધમ દ્રશ્યોમાનું જ એક છે.
      સેલ્ટસ કહે છે કે `પ્રત્યેક માણસ પોતાનો ભાગ્યવિધાતા છે.`
      માત્ર પરિશ્રમથીજ જગતમાં ખરી સફળતા મળી શકે છે. દેવો પણ શ્રમરૂપી કિંમત આપનારને પ્રત્યેક વસ્તુ વેંચી નાખે છે. પરંતુ તેના વિના તેઓ કાંઈ પણ આપતા નથી. તમને કદી પણ તૈયાર સફળતા મળશે જ નહિં. વિજયમંદિરનું દ્વાર કદી પણ ખુલ્લું રાખવામાં આવતું નથી. તેમાં પ્રવેશ કરનાર પ્રત્યેક માણસ પોતાનું દ્વાર પોતે જ બનાવે છે; જે તેની પાછળનાં બીજા સર્વ માટે પાછું બંધ થઈ જાય છે.
      મહાપુરુષોને સંયોગો કદી પણ અનુકૂળ રહ્યા નથી. સર્વ પ્રકારના વિઘ્નો સામે મહાપુરુષોએ પોતે જ ભારે સંગ્રામ કરીને પોતાનો માર્ગ ચોખ્ખો કર્યો છે. ક્ષુદ્ર પ્રારંભ અને નાનું મૂળ એ કાંઈ મહાન કારકિર્દીને માટે પ્રતિબાધક નથી.
     સફળતા એ ઉધોગ અને ખંતનું સંતાન છે; તે કાંઈ લાંચરૂશ્વતથી વશ થતી નથી.
     માત્ર એક જ બાબત પાછળ મંડી પડવાથી સાધારણ બુદ્ધિવાળા પણ ઘણા માણસો મહાબુદ્ધિમાન તરીકે કીર્તિ પામ્યા છે.  માણસ જેમ વધારે આળસુ હોય છે, તેમ તે આવાં ગપ્પાં હાંકે છે કે `બુદ્ધિમાન પુરુષો જ મોટા કામો કરી શકે છે. `એ તો મહાત્માઓનું કામ ! `અમૂકતો મહાત્મા છે; તે ચાહય સો કરે, આપણું ગજું નહિં!`
      કામ કરવાની વધુમાં વધુ નિષ્ઠા ધરાવનારા જ મહાનમાં મહાન બુદ્ધિશાળી નીવડ્યા છે
`બુદ્ધિ` એટલે `શ્રમ કરવાની અનંત શક્તિ` એવી જે તેની વ્યાખ્યા કરવામાં આવી છે, તે યોગ્ય જ છે, જે માણસોએ મહાન કાર્યો કર્યા છે તેઓ આમથી તેમ અથડાતાં તરુણોને માત્ર એટલું જ સમજાવી શકે, તેમની કિર્તિનો મોટો ભાગ ચોખ્ખા પરિશ્રમ અને સતત ઉધોગનું જ પરિણામ છે; તો તેઓ તેમને કેટલો બધો ઉત્સાહ આપી શકે? જે કામો જગતની પ્રશંસા પામ્યા છે, તે  કામોએ તેમના કર્તાઓની શક્તિનું ટીપે ટીપું કેવું ચૂસી લીધું છે અને તે કરવામાં તેમને કેટલી માથાકૂટ, કેટલી નિરાશા, કેટલાં સંકટો અને કેટલાં ભયો સહન કરવા પડ્યાં છે; તે જો આપણાં હતાશ અને નિરાશ થયેલા યુવાનો જાણી શકે તો કેવું સારું થાય ! 
      પ્રાચીન કાળના લોકો કહેતા કે `તારી જાત ને ઓળખ.` વીસમી સદીના લોકો કહે છે કે `તારી જાતને સહાય કાર.` કેમ કે આત્મશિક્ષણ જ આત્માને નવીન જન્મ આપે છે. એક માણસને જ્યારે ઉચ્ચ શિક્ષણ મળે છે; ત્યારે જ તે સાધારણ રીતે માણસ જ રહે છે અને પશુ બની જતો નથી. પરંતુ જો તેને યોગ્ય શિક્ષણ મળ્યું ણ હોય; પાઠશાળામાં તેની મગજરૂપી કોઠીમાં જો માત્ર જ્ઞાન જ ડાબી દાબીને ભરવામાં આવ્યું હોય; જો માત્ર પરીક્ષામાં પાસ થવા પૂરતી જ વાતો ગોખણપટ્ટી દ્વારા યાદ રાખવાનો પ્રયત્ન કરીને તેણે પોતાની સ્મરણશક્તિનું સત્યાનાશ વાળ્યું હોય; તો તે તેની અવનતિ જ થવાની. કારણ કે અપકવ ગોખણિયું જ્ઞાન પાછળથી આપોઆપ જ ભુલાઈ જવાનું અને આત્મશ્રદ્ધા અને આત્મમાન બન્ને ગુમાવી દેવાનો.
     ખરું શિક્ષણ જ્ઞાનપીપાસા જાગ્રત કરે છે અને આ પિપાસા તૃપ્ત કરવાને માટે આતુર વિધાર્થી પોતેજ જ્ઞાનામૃતના ભંડારની પાસે પહોંચે છે. `મનુષ્યને એવી રીતે શિક્ષણ આપવું જોઈએ કે તેની પૂર્વકલ્પનાઓ સાચી બની રહે અને તેની સર્વ ભાવનાઓ સદગુણ બની જાય.`
     કસરતશાળામાં તમારા શરીરનો વિકાસ કરવા માટે તમે ખેંચતાણ કરો છો; છાતી પહોળી કરો છો; ધક્કામુકી કરો છો; અને દોડાદોડ કરો છો; એ જ રીતે સતત પ્રયત્નો દ્વારા તમે માનસિક અને નૈતિક શક્તિઓનો પણ વિકાસ કરી શકશો.
     સર્વ જ્ઞાન આત્મશિક્ષણથી પ્રાપ્ત થાય છે. વિધાર્થીની માનસિક ક્રિયા પર જ તેના જ્ઞાનની પ્રગતિનો આધાર રહે છે. શિષ્યને, પોતાની જાતને શીખવતાં શીખવવું એ જ શિક્ષકનું મહાન અને સર્વોતમ કાર્ય છે.
   આઇઝેક ટેઈલર કહે છે કે `શારીરિક વિકાસ નહિં, પરંતુ માનસિક વિકાસ આપણને મનુષ્યત્વ આપે છે; માટે તમારું માનસિક બળ વધારો. તમે જે જે જુઓ અથવા વાંચો તે તે સમજવાનો પ્રયત્ન કરો. વાંચનની સાથે ચિંતનનો યોગ દરવો એ આપણાં ઉત્તમ જીવનના પ્રાથમિક સિદ્ધાંતોમાંનો એક મુખ્ય સિંદ્ધાંત છે અને તે કાર્ય સરલમાં સરલ છે.`  `જે થોડા માણસો ચિંતનશાળી હોય છે તેમાંના પણ કેટલાં થોડા માણસો યોગ્ય રીતે ચિંતન કરે છે ! જેઓ પોતાને ચિંતનશાળી ધારે છે એવા કેટલાં બધા માણસો ખરા અર્થમાં કદી ચિંતન જ કરતાં હોતાં નથી.`

       ઇમર્સન કહે છે કે ` તમે તમારું યોગ્ય સ્થાન અને કાર્યપ્રલાણી પ્રાપ્ત કરશો  એટલે સર્વ માણસો તે બાબતમાં તમારી સાથે સંમત થસે. દુનિયા અવશ્ય ન્યાયી છે. કેમ કે તે-દુનિયા પ્રત્યેક માણસને પોતાની તેની કિંમત આંકવાની સંપૂર્ણ છૂટ આપે છે અને તેમાં જરા પણ ડખલ કરતી નથી.`

    પેસ્ટાલોજી જણાવે છે કે `હે મનુષ્ય ! તારા પોતામાં જ-તારી શક્તિની આત્મપ્રતીતિમાં જ-તારા વિકાસ માટે ઉત્તમોત્તમ હથિયારને કુદરતે મૂકેલું છે.`

     `જે માણસ દ્રઢ ખાતરીપૂર્વક માને છે કે, મને સાધનો મળશે જ તે ખરેખર સાધનો ધરાવતો જ હોય છે.`

         જે માણસોને પુષ્કળ પૈસો મળ્યો હોય તેઓ કદી પણ ઉન્નતિના શિખરે પહોંચતા નથી. અને જેમની પાસે પ્રારંભ કરવાને માટે કાંઈ પણ મૂડી હોતી નથી તેઓ જ પુષ્કળ દ્રવ્ય ઉપાર્જન કરે છે અને પ્રતિકૂળ સંયોગોને ઉન્નતિ તથા કિર્તિ પ્રાપ્ત કરવાના સાધન બનાવે છે.આવા માણસો જ નિશ્ચિત લક્ષ્યે પહોંચી શકે છે અને બુદ્ધિમાન તથા શક્તિમાન માણસો ધારણ કરી શકે એવી પ્રત્યેક પ્રમાણિક મહત્વાકાંક્ષાની પરાકાષ્ઠા તેમને પ્રાપ્ત થાય છે.

     તમે તમારા પુત્રને માટે ભલે કરોડો રૂપિયા મૂકી જાઓ; પરંતુ તે દ્રવ્ય પ્રાપ્ત કરતાં જે કેળવણી, અનુભવ અને શક્તિ પ્રાપ્ત થઈ છે તે તમે આપી શકતા નથી. સંપતિ મેળવવામાં જે આનંદ મળે છે; વિકાસ પામવામાં જે મોજ મળે છે; દ્રવ્ય સંપાદન કરવાથી જે શુભ અભિમાન ઉત્પન્ન થાય છે; તથા તેથી ચોક્કસ્તા, નિયમબદ્ધતા, ચપળતા, ધૈર્ય, કાર્યકુશળતા, પ્રમાણિક્તા, નમ્રતા આદિ જે ગુણોનો વિકાસ થાય છે; તે તમે તેને આપી શકતા નથી. દ્રવ્ય સંપાદન કરવામાં બુદ્ધિ, ડહાપણ, અગમચેતી વગેરે જે ગુણો કેળવાય છે તે તમે તેને આપી શકતા નથી. આ ગુણોની કિંમત તમે ગમે તેટલી આંકતા હો; પરંતુ તમારો પુત્ર તો તેની લેશ પણ કિંમત ગણતો નથી. ઉન્નતિના શિખર પર ચઢવામાં તમે તમારા સ્નાયુઓ, શક્તિ અને બળને ખીલવ્યા હોય છે અને તેથી જ તમે તમારી ઉન્નતાવસ્થાએ પહોંચવાને તથા તમારા ધનને સાચવી રાખવાને શક્તિમાન થયા છો. આ પ્રમાણે તમારી સંપતિએ તમને તો અવશ્ય અનુભવ, આનંદ, શિક્ષણ, ચારિત્ર્ય અને વિકાસ અપાવ્યા હોય છે; પણ તે જ સંપતિ તમારા પુત્રને માટે પ્રલોભન અને ચિંતાનું કારણ થઈ રહીને ઘણે ભાગે તેને સંકુચિત હ્રદયનો બનાવી દેશે. જે સંપત્તિએ તમારા સંબંધમાં પાંખનું કામ કર્યું છે, તેજ સંપત્તિ તેને માટે ભારે બોજરૂપ થઈ પડશે. તમારા સંબંધમાં તેણે શિક્ષણ આપવાનું અને તમારી ઉત્તમોત્તમ શક્તિઓનો વિકાસ કરવાનું કામ કર્યું છે; પરંતુ તેના સંબંધમાં તો તે ઘણે ભાગે શિથિલતા, આલસ્ય, પ્રમાદ, દૌર્બલ્ય, અને અજ્ઞાનની જ જનેતા થશે. કારણ કે તમે તેની પાસેથી આવશ્યક્તારૂપી અમુલ્ય એડ લઈ લીધી છે; કે જે એડે જ પ્રહાર કરી કરીને માણસની પાસે જગતના ઇતિહાસના લગભગ સમસ્ત મહાન કર્યો કરાવ્યા છે.  

     તમે જ્યાં સુધી વધી શક્યા છો ત્યાંથી તમારો પુત્ર આગળ મુસાફરી કરવા માંડે એટલા માટે તમે તેને  તમારી સંપત્તિ અર્પણ કરી  છે અને તે એક દયાનું કાર્ય ગણો છો. તમને વૈતરું કરવું પડ્યું હતું; જે સંકટો અને દુખો સહન કરવાં પડ્યાં હતાં; તમને જે તકોનો અભાવ હતો અને ઝૂંપડીમાં જે કંગાળ શિક્ષણ મળ્યું હતું; તે સર્વમાંથી તેને મુક્ત કરવાનો મહેરબાની ભરેલો વિચાર તમે રાખ્યો છે. પરંતુ યાદ રાખજો કે, તમે તેના હાથમાં બળવાન ડાંગ આપવાને બદલે ટેકાવાળી કાખલાઘોડી જ આપી છે; તમે તેની પાસેથી આત્મવિકાસ, આત્મશિક્ષણ અને સ્વાશ્રયરૂપી મહાન ધન પ્રાપ્ત કરનારી એક એડ ખૂંચવી લીધી છે; કે જેના વિના ખરી સફળતા, ખરું સુખ અને મહાન ચારિત્ર્ય કદી પ્રાપ્ત થઈ શકતા નથી. અનાયાસે સંપત્તિ પ્રાપ્ત થવાથી તેનો યુવાવસ્થાનો સર્વ ઉત્સાહ ઊડી જસે; તેની શક્તિનો હ્રાસ થશે અને આતમૌન્નતિ માટેના પ્રયાસોનું ઉતેજન નહિં મળવાથી તેનામાંથી મહત્વાકાંક્ષા પણ ધીમે ધીમે નષ્ટ થશે.જો તમે પોતે જ તમારા પુત્રને માટે પ્રત્યેક કામ કરશો; તેણે માટે રણભૂમિમાં તમે પોતે જ ઊભા રહેશો; તો તે એકવીસ વર્ષની ખીલતી અવસ્થામાં જ એક દુર્બળ પ્રાણી બનીને તમારી પાસે ઊભો રહેશે !

           `મે મારી હાલની સ્થિતિ મારી જાતેજ ઘડી ચ્હે.`                        _હંફ્રી ડેવી

       `મારા પુત્ર! ખાત્રી રાખ અને સ્મરણમાં રાખ કે, ઉત્તમોત્તમ માણસોએ પોતે જ પોતાને તેવા બનાવ્યા હોય છે.`            _પેટ્રિક હેન્રી

    `ઈશ્વર પ્રત્યેક પક્ષીને ખોરાક આપે છે, પરંતુ તે તેના માળામાં ખોરાક ફેંકતો નથી.`    _જે. જી. હોલેન્ડ

       `આપણે માટેના ઉપાયો ઘણી વાર આપણા પોતામાં જ રહેલા અને આપણા પોતાથી જ ઉપજેલા હોય છે; છતાં આપણે તેને ઈશ્વરે રચેલા માન્યા કરીએ છીએ.`                          _શેકપિયર

     `નિર્વાહના સાધનો માટે કરેલી જીવતોડ મહેનતથી આપણને જે શિક્ષણ મળે છે તે જ ઉત્તમ શિક્ષણ છે.`                                                                              _વેન્ડેલ ફિલિપ્સ

      `માણસ બીજાઓ પાસે જે શિક્ષણ મેળવે છે તેનાં કરતાં ઘણું જ વધારે મહત્વનું શિક્ષણ તો તે પોતાની પાસેથી જ મેળવે છે.`                                                      _ગિબન

      `મોટો માણસ પોતામાં જ રહેલી શક્તિની શોધ અને સદુપયોગ કરે છે અને નાનો માણસ બીજાઓ પાસે શોધ્યા કરે છે.`                                                                    _કોન્ફયુનિયસ

        `મારુ કાર્ય કોઈ બીજો માણસ મને શોધી આપશે અથવા નક્કી કરી આપશે એવી જે રાહ જોયા કરે છે, તે પોતાના સંદેશો પહોંચાડયા વિના જ મરણ પામશે.`                               _લોવેલ

    `યુદ્ધમાં હો કે ધંધારોજગારમાં હો, ધારાશાસ્ત્રમાં હો કે પ્રેમશાસ્ત્રમાં હો; સત્તા પ્રાપ્ત કરવાના પ્રયાસમાં હો કે દ્ર્વ્યોપાર્જન કરવાના યા તો પરમાર્થ કે પરોપકાર કરવાના માર્ગ પર હો; પરંતુ `સ્વાવલંબન `ને જ તમારો મૂળમંત્ર થવા દેજો.`                                                               _સેક્સ

     `પ્રત્યેક જણે પોતાની ભાંજગડ પોતે જ કરવી; બીજા પર આધાર રાખવો નહિં `        _શેક્સપિયર

જે માણસોને હમેશાં ટેકો મળ્યા કરે છે તેઓ સંકટના સમયમાં ભાગ્યે જ ટકી શકે છે. જ્યારે તેમની ઉપર વિપત્તિનું વાદળ ઘેરાઈ આવે છે ત્યારે તેઓ પારકાની ઓથે ઊભા રહેવાને આમતેમ દ્રષ્ટિપાત કરે છે અને જો તેમને આશ્રય નથી મળતો તો તેઓ અવનતિના ખાડામાં જઈને પડે છે; અને એકવાર તેઓ પડ્યા એટલે તદન લાચાર બની જાય છે. સર્વ આધારસ્તંભો તૂટી પડવાથી અને પોતાના જ પગ ઉપર ઊભા રહેવાની ફરજ પડવાથી સરહદ પરના ઘણા છોકરાઓ ધાર્યા કરતા વિશેષ સફળ થયા છે.

     રોબર્ટ કોલિયર જણાવે છે કે `મનુષ્યના ઉત્ત્મૌત્તમ મિત્રો તેની દશ આંગડિયો છે, જે યુવાનો હમેશાં કોઈ ને કોઈ આધાર ખોળ્યા કરે છે તેઓ કોઈ પણ મહત્વનુ કાર્ય કરી શકતા નથી.`

Self help
Image Source – Google image by https://www.canva.com/design/DAEI95E1b54/LJzveroKA7rObw7Y1SvBtA/edit?category=tAECHDWxBdc

No comments