મહાન અને તાત્કાલિક નિશ્ચયબળવાલા માણસો જ પોતાની કીર્તિ જગતમાં અમર કરી ગયા છે. તેઓ `કાંઈક કરવું અને એકદમ કરવું` એવા વિચારવાળો માણસ-તે વિચારોની વચ્ચે લટકાયા કરનારો માણસ, બેમાંથી ક્યો માર્ગ ગ્રહણ કરવો એના વિચારમાં જ સઘળો સમય વિતનારો માણસ પોતાની અસ્થિરતાથી જાહેર કરે છે કે, તે પોતાની જાતને અંકુશમાં રાખી શકતો નથી અને તે બીજાઓને આધીન રહીને જ કામ કરવાને સૂજાયેલો છે. તે પોતે મનુષ્ય નથી, પરંતુ મનુષ્યનો અનુયાયી છે. નિશ્ચય અને સ્ફૂર્તિવાળો માણસ અનુકૂળ સંયોગોની રાહ જોયા કરતો નથી કિંવા ઘટનાઓને તાબે થતો નથી પણ ઘટનાઓ તેને તાબે થાય છે.
અસ્થિર ચિત્તનો માણસ હમેશાં પોતાની સાથે જેણે છેલ્લી વાતચીત કરી જોયા હોય તે માણસના અભિપ્રાયની દયા પર રહે છે. તે ખરો માર્ગ જોઈ શકે છે; પરંતુ ખોટા માર્ગ તરફ જ તણાઈ જાય છે. કદાચ એકાદ કાર્ય કરવાનો નિશ્ચય કરે છે; તો જ્યાં સુધી તેના માર્ગના વિઘ્ન આવે નહિં ત્યાં સુધી જ માત્ર તે એ કરી શકે છે.
`પેરેડાઈઝ લોસ્ટ`માંના સેતાનને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યો ત્યાર પછી તેણે જે મહાન નિશ્ચય કર્યો હતો તે જોઈને આપણે તેની પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી. થોડી પળ સુધી ભયંકર અનિશ્ચિત દશામાં રહ્યા પછી તે પોતાનો અજેય ઉત્સાહ પુનઃ મેળવે છે અને બોલે છે, `જો હજી પણ હું પહેલા જેવો જ હોઉ તો હું ગમે ત્યાં હોઉ તેની મને શી દરકાર છે?`
ઉત્તમોત્તમ માર્ગ પકડવાનો નિશ્ચય કરવાની અને પ્રેત્યેક વિરોધી માર્ગ છોડી દેવાની શક્તિ તથા એકવાર ત્યાગ થઈ ચૂકેલા પછી તે વિરોધી માર્ગનું ચિંતન મૂકી દઈ એક નિશ્ચિત માર્ગથી તે ચિંતન આપણને ચ્યુત ન કરે એવી શક્તિ એ સફળતા મેળવવામાં સૌથી વિશેષ મહત્વના બાલો પૈકીનું એક છે. અચકાવાથી કેટલી વાર આપણે પાયમાળીને આમંત્રણ કરી બેસીએ છીએ? જે માણસ હમેશાં અચકાયા કરે છે; વિચાર કાર્યા કરે છે; મહત્વ વિનાની વાતો વિષે ગૂંચવાયા કરે છે અને તે તરફ ધ્યાન આપ્યા કરે છે તે કોઈ પણ કાર્ય સિદ્ધ કરી શકતો નથી. કેમ કે તેનામાં જરૂર જોગું નિશ્ચયબળ હોતું નથી.
આમંત્રણ કરે છે. દ્રઢતા ધરાવનાર માણસ નિશ્ચયવાન માણસ જ જગતમાં કાંઈક સત્તા ધરાવે છે-તેની જ કંઈક કિંમત હોય છે. તમે તનુ વજન કરી શકો છો; માપ લઈ શકો છો અને પોતાના સામર્થ્યથી તે કેટલું સિદ્ધ કરી શકશે તેનો કંઈક અડસટ્ટો પણ કાઢી શકો છો. કોઈ પણ કાર્ય બેદરકારીથી સિદ્ધ થતું નથી. બેદરકારી ધરાવનાર માણસ વિશ્વાસ મેળવી શકતો નથી અને માત્ર અવિશ્વાસને જ આમંત્રણ આપે છે
'નિશ્ચય કરો એટલે પરિણામે તમક્ત થશો.` -લોંગ્ફેલો
`આપની ભાષાના પેલા ટૂકાંમાં ટૂકાં શબ્દો-`હા` અને `ના` એ સૌથી વિશેષ જોખમદારી ભરેલા શબ્દો છે. તેમાંનો એક ઈચ્છાની આધીનતા સૂચિત કરે છે અને બીજો ઈચ્છાની અનાધીનતા સૂચવે છે. એક ભોગલાલસા સૂચિત કરે છે અને બીજો ચારિત્ર્યબળ સૂચિત કરે છે. મજબૂતીથી `ના` કહેવાથી દ્રઢ ચારિત્ર્ય પ્રકાશિત થાય છે અને તરત જ `હા` કહેવાથી આપણી દુર્બળતા દેખાઈ આવે છે. પછી ભલે ને આપણે તેની ઉપર ગમે તેટલો ઢાંકપિછોડો કરીએ. -ટી.ટી. મન્જર
`મનુષ્યે પોતાના કાર્યનો સ્વામી બનવું જોઈએ; કાર્યને પોતાનો સ્વામી બનવા દેવું જોઈએ નહિ પોતે કઈ બાજુએ ઢળવું તેનો નિશ્ચય તત્કાળ કરવાથી તેનામાં શક્તિ હોવી જોઈએ.` -પી. ડી. આર્મર
`જગત એ એક એવી બજાર છે કે જ્યાં પ્રત્યેક વસ્તુ નિશ્ચિત ભાવે વેચાય છે. આપણે આપણાં સમય, પરિશ્રમ અથવા બુદ્ધિમત્તાનો ખર્ચ કરીને તેના વડે દ્રવ્ય, આરામ, કીર્તિ, પ્રમાણિકતા, જ્ઞાન કિંવા ગમે તે વસ્તુ ખરીદ કરતાં હોઈએ ત્યારે આપણે દ્રઢ નિશ્ચયપૂર્વક ઊભા રહેવું જોઈએ; અને છોકરાની પેઠે નહિં ખરીદેલી વસ્તુઓ માટે શોક કરવો જોઈએ નહિં.` -મેથ્યુઝ
`સ્પષ્ટ ધ્યેય અને મજબૂત હાથ વડે ખરો કલાવિધાયક, અસ્પષ્ટ લક્ષ્ય તથા અસ્થિર હાથ વડે ઝાંખાં ચિત્રો કે બેડોળ પૂતળા બનાવનાર કારીગરોથી તદ્દન જુદો જ પડી જાય છે.` -હોમ્સ
`બાલયાવસ્થામાં જ મહાન કાર્ય વિષે વિચાર અને નિશ્ચય થઈ શકે છે અને તરુણાવસ્થામાં કર્યાનો પ્રાંરંભ થાય છે; પરંતુ ખરો વખત વહી ગયા પછી અને સામર્થ્ય નષ્ટ થયા પછી વૃદ્ધાવસ્થામાં જીવનક્રમ ફેરવી શકાવો મુશ્કેલ છે. -બ્રાઉનિંગ `સાવધતાપૂર્વક વિચાર કર, અથવા નિશ્ચયપૂર્વક કાર્ય કાર, માનપૂર્વક તાબે થા અથવા દ્રઢતાપૂર્વક સામો થા.` -કોલ્ટન
ફિલ શેડરિન તાત્કાલિક નિશ્ચયથી જ પરાભવમાંથી વિજય મેળવવાને શક્તિમાન થયો હતો. ટોપના ધડાકા સાંભળવાથી જ્યારે તેના જાણવામાં આવ્યું કે દારુણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે તે ઘણા માઇલના અંતર પર હતો. તેણે તરત જ પોતાના ઘોડાને એડી મારી અને જોરથી હાંકયો. રણભૂમિની નજીક પહોંચતા જ તેને પોતાના માણસો પરાભવનું કલંક લઈને નાસતા જણાયા. ઘોડાના જીન પર ઊભા થઈને તેણે પોકાર કર્યો કે, `ઊભા રહો; જમણી તરફ ફરો અને મારી પાછળ આવો.` તે પોતાના સૈન્યને મોખરે આવીને આગળ ઘસી ગયો. તેને જોઈને સૈનિકોને પુનઃ બળ પ્રાપ્ત થયું અને તેમના હતાશ થયેલા અંતઃકરાણોમાં આશા ઉત્પન્ન થઈ. જે સૈનિકો ક્ષત્રયોની સામેથી જીવ લઈને નાસી જતાં હતા તેઓ અલ્પ સમયમાં જ વ્રજપાટની પેઠે પોતાના સમગ્ર બળ સહિત તેમની ઉપર તૂટી પડ્યા. તમના મહાન નેતાના અજેય નિશ્ચયથી તેમનામાં દ્રઢતા આવી અને તેમણે કંગાળ પરાભવને બદલે પોતાના શત્રુઓની ઉપર મગરૂરી ભરેલો વિજય પ્રાપ્ત ડાર્યો. આ જોઈ તેમના શત્રુઓના આશ્ચર્યનો અને ગુસ્સાનો પાર રહ્યો નહિં.
એમ કહેવાય છે કે, મહાન સિકંદરને જ્યારે આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે `આપે જગત કેવી રીતે જીત્યું ?` ત્યારે તેણે એવો ઉત્તર આપ્યો કે `અડગ રહીને,`
જે માણસ પોતાના માર્ગનો તત્કાળ નિશ્ચય કરે છે અને પોતાને ક્યા ક્યા ભોગો આપવાના છે. તેનો પણ નિશ્ચય કરી લે છે તે જ પોતાનું લક્ષ્ય સાધી શકે છે સૌથી ભાગ્યશાળી લોકોને પણ મહાન તકો તો ક્વચિત જ મળે છે અને મળે છે ત્યારે તો તે તરત જ ચાલી જાય છે.
નેપોલિયને કહ્યું હતું કે `આકસ્મિક પ્રસંગે જેની જરૂર પડે અને આણંધાર્યા બનાવો હોવા છતાં પણ જે પૂર્ણ સ્વતંત્રતાપૂર્વક વિચાર અને નિશ્ચય કરવાની શક્તિ આપે તે જ ખરી સાહસિકતા છે.`
નિયમિત રીતે કામ કરનાર માણસ અનિશ્ચિત દશામાં સમય ગુમાવતો નથી. પરંતુ ઝાઝો નકામો વિચાર કરવામાં જે બળનો ક્ષય થાય છે તેને એ બચાવે છે; જ્યારે વ્યાકુળ ચીતવાળો પ્રત્યેક દલીલની તુલના કરે છે અને પ્રબળ ઉદેશથી એક બાજુનો નિશ્ચય કરતો નથી. તે સ્થિર સંતોલપણામાં રહે છે અને તણી ઇચ્છાથી જરાપણ ગતિ માન થતો નથી; પરંતુ બીજા માણસની ઇચ્છાના સહજ ઇશારાથી તે સહેલાઇથી ગતિ કરે છે. વિલંબ કરવાથી નાશ પામવાનો વારો આવ્યો હોત એવા પ્રસંગે તાત્કાલિક નિશ્ચયથી નેપોલિયન અને ગ્રાંટ તથા તેમના સૈન્યનું રક્ષણ થયું હતું, નેપોલિયન વારંવાર એમ કહેતો કે `ભલેને યુદ્ધ આખો દિવસ ચાલે પરંતુ પરિણામનો નિશ્ચય તો અણીની બે ત્રણ મિનિટમાં જ થાય છે,` તેણે પોતાની ઇચ્છાશક્તિથી લગભગ આખો યુરોપ ખાંડ તાબે કર્યો હતો તેટલી જ ચપળતાથી તે ક્ષુલ્લક કાર્યોમાં પણ નિશ્ચય કરી શકતો હતો.
કોઈ પણ ધંધો અથવા રોજગાર એવો નથી કે જેમાં મુશ્કેલીઓ આવતી ન હોય. પ્રત્યેક ધંધામાં કોઈ કોઈ વાર તો પ્રચંડ મુશ્કેલીઓ આવે છે ને જે તરુણ, જીવનના પ્રત્યેક કઠિન પ્રસંગે ગભરાઈ જાય છે તેણે કડી પણ સફળતા પ્રાપ્ત થતી નથી. નિશ્ચય વિના કદી પણ ચિત્તની એકાગ્રતા થઈ શકતી નથી. મનુષ્ય જો સફળતા પ્રાપ્ત કરવાવી હોય તો તેણે અવશ્ય ચિત્તને કામમાં એકાગ્ર કરવું જોઈએ. નિશ્ચય વિનાનો અને એકનિષ્ઠા વિનાનો માણસ પોતાની શક્તિને છિન્નભિન્ન કરી નાખે છે અને કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકતો નથી. કોઈ પણ કાર્યમાં સફળ થવાને માટે જરૂરી સમય સુધી તેણે ધીરજથી વળગી રહી શકતો નથી. એકાદ ધંધો અથવા રોજગાર તેને પોતાની એકાદ સુંદર બાજુએ દર્શાવે છે. જેથી તે ખાત્રીપૂર્વક માને છે કે, મારે જે ધંધો જોઈએ તે આ જ છે; અને સંપૂર્ણ ઉત્સાહપૂર્વક તે તેને પોતાના જીવનકાર્ય તરીકે ગ્રહણ કરી લે છે, પરંતુ થોડા જ સમયમાં અગવડો-મુશ્કેલીઓ દેખાવા માંડતા તેનો ઉત્સાહ પીગળી જાય છે અને તે પોતાના મનમાં કહેવા લાગે છે કે આ ધંધાને માટે હું લાયક છું એમ ધારવામાં મૂર્ખાઈ મે શા માટે કરી ? પછી તે એમ ધારે છે કે, મારા અમુક મિત્રે જે ધંધો ધારણ કર્યો છે તે જ મને વિશેષ અનુકૂળ છે. આવા આવા વિશાર કરી તે એક ધંધો છોડી કે છે અને બીજો ગ્રહણ કરે છે ! આ રીતે આખું જીવન તે ડગુમગુ સ્થિતિમાં ગાળે છે. કોઈ પણ નવીન ધંધો તેને પ્રથમ તો સર્વોત્તમ જ ભાસે છે ! તે કદી પણ પોતાની વિવેકબુદ્ધિ અથવા સાદી સમાજનો ઉપયોગ કરતો નથી; પરંતુ જે ક્ષણે જે ભાવના અને જે લાગણી મનમાં ઉપજે છે તે તે ક્ષણે તેને આધીન થઈ જાય છે. આવા માણસોનો કોઈ નિશ્ચિત સિદ્ધાંત હોતો નથી, તેઓ આજે અહીં તો કાલે બીજે હોય છે અને આજે આ કામ તો કાલે કોઈ બીજું કામ કરતાં હોય છે ! આથી એક ધંધાનું જે જ્ઞાન તેમણે મેળવ્યું હોય છે તે બીજા ધંધામાં તેમને જરા પણ ઉપયોગી થઈ શકતું નથી અને તેઓ પોતાનો સઘળો વખત બરબાદ કરે છે. વસ્તુતઃ તેઓ કદી પણ વૈતરાની ભૂમિકા છોડીને કૌશલ્યની સુખદાયક ભૂમિકા પર પહોંચતા જ નથી. તેઓ પોતાનું જીવન જુદા જુદા ધંધાઓની શરૂયાતો કરવામાં જ ગુમાવી દે છે; અને શરૂઆત તો હમેંશાં કઠિન હોય છે. આવા લોકો ક્વચિત જ દ્રવ્યપ્રાપ્તિ, સુખ અને સંતોષની ભૂમિકાએ પહોંચે છે.
બીજા માણસો જ્યારે મુશ્કેલીઓનાં રોદણાં રડતાં બેસે છે. ભય અને વિઘ્નોથી પાછાં હઠે છે અને તેમાંથી મુક્ત થવાની યુક્તિ શોધે છે; ત્યારે મહાપુરુષો કાંઈ પણ ધાંધલ કે ધામધૂમ કર્યા વિના પોતાના નિશ્ચિત કાર્યનો આરંભ કરી દે છે, જેથી મોટા પર્વતો પણ સપાટ બની જાય છે અને રસ્તો મોકળો બની જાય છે. માટે મજબૂત ઈચ્છાઓ અને દ્રઢ નિશ્ચય શીખો. આ રીતે તમારા ચંચલ જીવનને સ્થિર કરી અને પવનથી ઉડતા સૂકા પાંદડાની પેઠે તેને આમતેમ જવા દો નહિં અસ્થિર ચિતવાળો માણસ ઢોર ન જય શકે એટલા માટે રસ્તા પર ખોડીબારા જેવો છે. તે પ્રેત્યેક માણસના માર્ગની આડો આવેલો હોય છે, પરંતુ કોઈને પણ અટકાવી શકતો નથી.
આપણાં શહેરોમાં નિષ્ફળ થયેલા યુવાન સ્ત્રીપુરુષોની પાયમાલીનું કારણ એ જ છે કે, તેઓ પોતાના મનોવિકારોને ઉશ્કેરનારાં હજારો પ્રલોભનોની સામે ટકી શકતા નથી. જો તેઓ પ્રથમ થોડું નિશ્ચયબળ દર્શાવે જો તેઓ એક વાર દ્રઢતાપૂર્વક `ના` કહે; તો પરિણામે તેમના પ્રલોભનો હમેશને માટે અદ્રશ્ય થઈ જાય, પરંતુ તેઓ દુર્બળ મનના હોય છે; રખેને કોઈને ખોટું લાગી જશે એવી તેઓ ભીતિ રાખે છે; `ના` કહેવું તેમણે પસંદ પડતું નથી અને આ રીતે તેઓ પોતાનું સંરક્ષણ કરનારા બખતરને ફેંકી દઈને પાયમાલીના વિશાળ રસ્તા ઉપર આવી પડે છે.
મનુષ્ય પોતાનું સમગ્ર જીવન વ્યર્થ ગુમાવી દે છે. તેનું કારણ એ હોય છે કે, કયું કાર્ય કરવું તેનો નિશ્ચય કરલો હોતો નથી. ઘણા નિષ્ફળ થયેલા માણસોના સ્મરણમાં આ શબ્દો કોતરી શકાય તેમ છે કે `તે અસ્થિર ચિતનો હતો;` `તે પુરુ ધ્યાન આપતો ન હતો;` `તેને નિશ્ચય કરતાં આવડતું ન હતું તેનામાં કાર્યને વળગી રહેવાની ધીરજ ન હતી.`
પ્રમાદી નિશ્ચય વિનાના અને કાળજી વિનાના લોકોનું જીવન વ્યર્થ વહી જાય છે. તેઓ જાણતા નથી કે પ્રત્યેક કાર્ય મુલતવી રાખવાના સ્વભાવથી તેમની શક્તિ બહાર આવતી નથી અને તેમને સફળતા પ્રાપ્ત થતી નથી. તેમના પ્રમાદનો ચેપી રોગ તેમના સર્વ પાડોશીઓને લાગુ પડે છે. સ્કોટ હમેશાં મુલતવી રાખવાની આદતથી બચવાને તરુણોને ચેતવણી આપતો હતો. આ આદત અવકાશના પ્રત્યેક છિદ્રમાં ઘૂસી જાય છે અને ઘણી વાર ઝળકતા જીવનને પાયમાલ કરે છે. સ્કોટ કહેતો કે `તત્કાળ કરો` એ તમારો મૂળ મંત્ર હોવો હોઈએ. `મુલતવી રાખવાની વૃતિને અટકાવવાનો માત્ર આ એક જ માર્ગ છે. પથારીમાં પાસાં ફેરવ્યા કરવાથી અને ઉઠવાની અનિચ્છાથી કેટલા બધા કલાકો વ્યર્થમાં ગુમાવાય ગયા છે ! આ આદતથી ઘણા માણસોની કારકિર્દી સંકુચિત બની ગઈ છે. બર્ટન આ ટેવ છોડી શક્યો ન હતો અને તે ટેવ પોતાને પાયમાલ કરશે એમ એ ખાતરીપૂર્વક માણતો હોવાથી તેને પોતાના નોકરને કહી મૂક્યું હતું કે `જ્યારે વખત થાય ત્યારે મને ઉઠાડયા વિના રહેવું નહિં. `આથી પ્રાતઃકાળમાં ભારે ગમ્મત થતી.તેનો નોકર તેને ઉઠાડવાને બૂમ પાડતો અને આગ્રહ કરતો; પરંતુ તે કહેતો કે `યાર, થોડી વાર સુવા દે ને !` નોકર જાણતો હતો કે જો એને ઉઠાડીશ નહિં તો મને ચોખ્ખું બાર આનાનું નુકસાન જશે. આથી તે અંતે પથારી પણ ઠંડુ પાણી રેડી દેતો અને તરત જ બર્ટન કૂદકો મારીને બહાર આવતો ! એક વાર એક માણસે એક આળસુને આળસુને પૂછ્યું ` આટલી બધી વાર તું શા માટે પથારીમાં પડ્યો રહે છે ? પેલાએ જવાબ આપ્યો : `હું હમેશાં પ્રાતઃકાળે બોધ સાંભળું છુ. ઉધ્યોગ મને ઉઠવાનું કહે છે; આળસ મને સૂઈ રહેવાનુ કહે છે; અને એક બીજાના ખંડનમંડન માટે વીસ વીસ દલીલો રજૂ કરે છે; એક નિષ્પક્ષપાત ન્યાયાધીશ તરીકે બંને પક્ષની દલીલો હું સાંભળું છુ અને જ્યારે એ બાબત પૂરી થાય છે ત્યારે ભોજન પણ તૈયાર થયેલું હોય છે; એટલે એની મેળે જ ફેંસલો આવી જાય છે !`
આ એક નિઃશંક વાત છે કે, જે માણસનું શરીર અતિ દ્રઢ હોય છે તે સાધારણ રીતે નિશ્ચયવાન હોય છે. જેઓ દ્રઘટાને માટે પ્રસિદ્ધ હોય છે તેમનાં શરીરો પ ઘણે ભ્હગે દ્રઢ અને મજબૂત હોય છે. કોઈપણ માનસિક શક્તિ એવી હોતી નથી કે જેની ઉપર શારીરિક દુર્બલતાની અસર ન થાય. વળી નિશ્ચયબળના સંબંધમાં તો આ નિયમ ખાસ કરીને લાગુ પડે છે. શારીરિક વેદના અથવા કોઈ મોટી શારીરિક અશક્તિથી નિશ્ચયબળ મંદ અથવા શિથિલ બની જાય છે. સાધારણ રીતે જે માણસ શરીરે સુદ્રઢ હોય છે તેનું ઝટ વજન પડે છે અને તે બીજાઓના હ્રદયમાં વિશ્વાસ ઉત્પન્ન કરે છે. કોઈ પણ શારીરિક દુર્બળતા અથવા અશક્તિ પ્રથમ નિશ્ચયબળની મંદતારૂપે જ દેખાય છે. સબળપણું અને ચપળતાને લીધે એક યુવાન પર લોકોનો જેટલો વિશ્વાસ બેસી જાય છે તેટલો બીજી કોઈ પણ વસ્તુથી બેસતો નથી. વળી એ ગુણોને લીધે કોઈ પણ પેઢી અથવા મિત્ર તરફથી તેને જેટલી વહેલી સહાય મળે છે તેટલી વહેલી બીજા કોઈ પણ ગુણ ને લીધે મળતી નથી. લોકો જાણે છે કે ચપળ માણસ વાયદાસર જ નાણાં ભરી દેશે અને તેથી તેઓ તેનો વિશ્વાસ કાર છે. તમે કાષ્ઠ અથવા તણવત નથી પણ તમારામાં કઇક સત્વ છે એમ લોકોને બતાવી આપતા પ્રથમ શીખો. `લોકોને જણાવી આપો કે તમે બોલશો તે અવશ્ય કરશો અને એક વાર તમે નિશ્ચય કર્યો એટલે તે કદી પણ ફરશે નહિં તથા તમે પ્રલોભનથી લલચાશો નહિ તેમજ ધમકીથી ડરશો નહિં.`
કેટલાક મગજોની રચના જ એવી હોય છે કે જ્યારે તેમના પર જોખમદારી મૂકવામાં આવે છે ત્યારે તેઓ ભયભીત થઈ જાય છે. કોઈ પણ કાર્યનો નિશ્ચય કરતાં તેઓ કંપી ઊઠે છે. તાત્કાલિક અને અડગ નિશ્ચય કરવાનો પ્રયાસ કરતાં જ સર્વ પ્રકારની શંકાઓ, મુશ્કેલીઓ અને ભીતિઓ તેમના મનમાં ઊભી થાય છે અને તેમનામાં નિશ્ચય કરવા પૂરતી શક્તિ તથા વિઘ્ન દૂર કરવાની હિંમત રહેતી નથી. તેઓ જાણે છે કે વિલંબ એ સાહસિકતા, પ્રગતિ અનર સફળતાનો શત્રુ છે; તે છતાં પણ તેઓ વિચારમાં ને વિચારમાં જ ત્રિશંકની પેઠે લટકાતા રહે છે. માત્ર વિચાર કરવા પૂરતી જ તેમનામાં શક્તિ હોય છે; કાર્ય કરવા પૂરતી શક્તિ હોતી નથી. તેઓ વારંવાર પૃથક્કરણ, વિચાર, તુલના અને ચિંતન કર્યા કરે છે; પરંતુ કદી પણ કાર્ય શરૂ કરતાં નથી. અનુકૂળ પ્રસંગે તકને પકડી લેવાથી યોગ્ય સમયે સરળતાથી પકડી શકાય તેમ હોય ત્યારે તેને ગ્રહણ ન કરી લેવાથી કેટલા બધા માણસો નિષ્ફળ જાય છે ! તક કંઈ વારંવાર આવતી નથી. તે માત્ર એકજ વાર આવે છે.
આ સખત હરિફાઇના જમાનામાં જેને આગળ વધવાની ઈચ્છા હોય તેનામાં ચપળતાપૂર્વક દ્રઢ નિશ્ચય કરવાની શક્તિ હોવી જ જોઈએ.
No comments