એક જ ઉદેશ્ય ધરાવનાર માણસ શુ ન કરી શકે
એક જ ઉદેશ્ય ધરાવનાર માણસ શુ ન કરી શકે
`જે મનુષ્ય પોતાનું જીવનકાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા રાખતો હોય તેનો ઉદેશ એક જ હોવો જોઈએ; અર્થાત તેના સમસ્ત લક્ષ્યોને ઢાંકી દેનારો અને તેના સમગ્ર જીવનનો માર્ગ દર્શાવનારો તથા તેને અંકુશમાં રાખનારો એક મહાન ઉદેશ તેને ધરાવવો જોઈએ. –બેઈટ
Image Source – Google image by Anand Adhikari https://www.businesstoday.in/magazine/best-companies-to-work-for-2020/one-team-one-goal/story/398449.html |
`એક મહાન ઉદેશ સાધવાની મંગળ કામના, એ જ જીવનનું પરમ સૌંદર્ય અને સુખ છે.` -જિન એન્જેલો
` પૂર્ણ વિશ્વાસ મનુષ્યને ઉપહાસ પાત્ર થવા દેતો નથી.` -જોન સ્ટુઅર્ટ મિલ
`વિચારો ટોપના ગોળા કરતાં પણ વિશેષ વેગથી જગતમાં પ્રસરે છે; વિચારો એ સૈન્યો કરતાં પણ અધિક બળવાન છે; સિંદ્ધાંતોએ ઘોડેસવારો અને રથો કરતાં પણ વિશેષ વિજય મેળવાવ્યો છે.` -ડબલ્યુ. એમ. પેકસટન
`હિંમત ધારણ કર અને પસંદ કરેલા માર્ગથી લેશ પણ ચલિત થા નહિ. સફળતા કદાચ તત્કાળમાં તારાથી દૂર રહે અને લોકો ગુસ્સો કરે તો પણ નિરાશ થતો નહિ. અચૂક નિશાન તાકીને છોડેલા તીર તરફ પણ ધ્યાન આપીશ નહિં, કારણ કે સહનશીલતામાંથી જન્મેલી સફળતા અંતે તારે પડખે જ ઊભી રહેશે.` -બ્રાયન્ટ
`બોસ્ટનના એરિ ડેવિસ નામના ઓજારો બનાવવાનો ધંધો કરનાર એક માણસે પોતાની સલાહ લેવા આવેલા બે માણસોને પૂછ્યું : `ગુથવાનો સંચો બનાવવાની માથાફોડ તમે શા માટે કર્યા કરો છો ? તમે સીવવાનો સંચો શા માટે બનાવતા નથી ? આ બે માણસોમાંનો એક શ્રીમંત હતો અને બીજો શોધક હતો. તેઓ ઊનનો માલ ગૂંથવા માટે એક યંત્ર બનાવવાની માથાકૂટ કરી થાક્યા પણ સફળતા મળી નહિ. ડેવિસના ઉપલા પ્રશ્નના ઉત્તરમાં શોધકે જણાવ્યુ કે, `સીવવાનો સંચો બનાવવાની ઈચ્છા તો બહુયે છે પરંતુ તે બની શકતો નથી. `ડેવિસ બોલયો; `અરે તે બની શકે એમ છે હું જાતે તે બનાવીશ!` આ સાંભળી પેલો શ્રીમંત બોલ્યો : `ત્યારે તમે બનાવો એટલે હું તમને પુષ્કળ દ્રવ્ય પેદા કરાવી આપીશ.` ડેવિસ ઉપલા શબ્દો મશ્કરીમાં બોલ્યો હતો; પરંતુ એ નવીન વિચાર તેની પાસે ઉભેલા એક કારીગરના મગજમાં દાખલ થઈ ગયો. તે કારીગર માત્ર વીસ વર્ષનો એક યુવક હતો અને તે આટલો ગંભીર વિચાર કરી શકે છે એમ કોઈ ધારતું ન હતું. અને અંતે તેણે એક સંચો બનાવવાનો નિશ્ચય કર્યો
કપડામાં ઉપર નીચે જાય એવી બે છેડા પર તીક્ષ્ણ અણીવાળી અને મધ્યભાગમાં નાકાવાળી સોયને કામ કરતી બનાવવાના પ્રયાસમાં અનેક મહિના ગુમાવ્યા પછી એકાએક તેના મગજમાં વિચાર આવ્યો કે બીજો બખીઓ પણ સાથે સાથે જ મારી શકાય એમ છે. આ વિચાર આવતાં જ તે લગભગ ગાંડાની માફક એ યુક્તિ સિદ્ધ કરવાને માટે ઉધોગ કરવા મંડી પડ્યો અને રાત્રિદિવસ પરિશ્રમ કરીને અંતે એક બેડોળ નમૂનો તૈયાર કર્યો. હવે તેણે સફળતા પ્રાપ્ત થવાની ખાતરી થઈ. હવે મન:ચક્ષુ દ્વારા પોતાના કલ્પિત સાંચાને જોઈ શકતો હતો, પરંતુ તેની પોતાની પાસેની મૂડી અને તેનો પિતા કે તેને થોડી ઘણી મદદ કરી હતી તેની મૂડી તેને પ્રત્યક્ષ કામ કરતો બનાવવાને માટે અપૂર્ણ હતી.છેવટે જ્યોર્જ ફિશર નામનો સહાધ્યાયી કે જે કેમ્બ્રિજમાં કોલસા અને લાકડાં વેચવાનો ધંધો કરતો હતો. તેની તરફથી તેને મદદ મળી. તેણે તેની સાથે એવી શરત કરી કે, `હું તારી અને તારા કુટુંબની ખાધાખોરાકી પૂરી પાડું અને એકસો પૌંડ આપું; પરતું તેના બદલામાં જો સંચો પેટંટ લેવા યોગ્ય નીવડે તો તે પેટંટમાં અર્ધો હિસ્સો મને આપવો.` ઇ. સ. ૧૮૪૫માં સંચો તૈયાર થયો અને એ વર્ષે જુલાઇ માસમાં એલીયાસ હોએ મી. ફિશરને માટે એક તથા પોતાને માટે એક એમ બે ઉનના કપડાંના પોશા તે વતી સીવ્યા ! તેનું સીવણનું કામ એટલું મજબૂત થયું હતું કે કપડાં ફાટયાં પરંતુ તે તૂટ્યું નહિ આ યંત્રને હજુ પણ જાળવી રાખવામાં આવ્યું છે. તે એક મિનિટમાં ત્રણસો બખિયા ભારે છે અને બીજી કોઈ પણ મહત્વની શોધના પ્રથમ નમૂના કરતાં વિશેષ સંપૂર્ણ ગણાય છે. હાલમાં જે લક્ષાવધિ સીવવાના સંચા વપરાય છે તેમાનો એક પણ એવો નથી, કે જેમાં આ પ્રથમ નમુનાના કેટલાક મહત્વના સિદ્ધાંતોનો ઉપયોગ થતો ન હોય.
એક જ ઉદેશ ધરાવનાર અને કાર્યમાં પરિણત કરનાર માણસોએ ભૂતકાળ પર મોટા ફેરફાર કરી નાખ્યા છે. ગ્રીક તત્વવેત્તાઓના લખાણોમાં વરાળયંત્રની મૂળ કલ્પના દેખાય છે, પરંતુ તે કલ્પના ત્યારથી બે હાજાર કરતાં યે વધારે વર્ષ પછી જ વિકાસ પામીને અમલમાં મુકાઈ !
સત્તરમી સદીમાં આગળ વધવાની કોઈ પણ તક વિનાના ન્યૂકોમેન નામના એક અંગ્રેજ લુહારને વરાળના યંત્રથી એક લોઢાના ડટ્ટાને ગતિમાન કરવાની કલ્પના સુઝી; પરંતુ તેણે જે એન્જિન બનાવ્યું તે એક ઘોડા જેટલું બળ ઉત્પન્ન કરવામાં ત્રીસ રતલ કોયલાનો ભોગ લેતું હતું. આધુનિક એન્જિનની સંપૂર્ણતા તો ઘણે ભાગે જેમ્સ વોટ નામના એક ગરીબ અશિક્ષિત સ્કોચ છોકરાને આભારી છે. આ છોકરો પોતાની પંદર વર્ષની વયે લંડન શહેરના મહોલ્લાઓમાં કામ મેળવવાને માટે આંટા મારી મારીને ઢેફાંની ધૂળ કરતો હતો પણ તેણે કામ મળતું ન હતું ગ્લાસગો વિશ્વવિધાલયના એક અધ્યાપકે તેણે કામ કરવાને માટે એક ઓરડો કાઢી આપ્યો. એક તરફ તે કામ મેળવવા માટે મહેનત કરતો હતો અને બીજી બાજુએ જૂની બાટલીઓને વરાળ ભરવાના વાસણો તરીકે અને પોલી લાકડીઓનો નળી તરીકે ઉપયોગ કરતો હતો. કારણ કે એક પળ પણ વ્યર્થ જાય એ તેનાથી સહન થઈ શકતું ન હતું. તેણે ન્યૂકોમેનના એન્જિનમાં સુધારો કરીને વરાળનો લગભગ પોણા ભાગનો બચાવ કર્યો. વોટ એવી ઘોર દરિદ્રતા અને સંકટમાં સપડાયેલો હતો કે સાધારણ માણસો તો તેથી હતાશ જ બની જાય; પરંતુ આકાંક્ષા પ્રબળ હતી અને તેની હિંમતવાન પત્ની માર્ગરેટે તેને એમ કહીને ધૈર્ય આપ્યું હતું કે, `મારી અગવડ તરફ ધ્યાન આપશો નહિ તેમજ હતાશ પણ થશો નહિ.` તે જ્યારે લંડનમાં વિપરીત સંયોગોની સામે બાથોડિયાં ભરતો હતો ત્યારે તેની સ્ત્રીએ લખી જણાવ્યું હતું કે `જો એન્જિન સફળ નહિ થાય તો કોઈ બીજી ચીજ સફળ થશે. માટે કદી પણ નિરાશ થશો નહિ.`
વોટ જણાવે છે કે, `એક રવિવારે સુંદર દિવસે બપોર પછી હું ફરવા ગયો હતો. આ સમયે પણ એન્જિન સંબંધી વિચાર તો મારા મગજમાં ઘૂમ્યા જ કરતાં હતા. જૂના હમામખાનાં (વોશિંગ હાઉસ)થી આગળ ગયા પછી એકાએક મારા મગજમાં એવો વિચાર આવ્યો કે `વરાળ એ સ્થિતિસ્થાપક વસ્તુ હોવાથી એ ખાલી સ્થાનમાં દોડી જશે અને નળી મારફત જો તેને એકાદ ખાલી પાત્રમાં મોકલવામાં આવે તો તે ત્યાં જઈને ઘન સ્વરૂપને પ્રાપ્ત થશે.` આ વિચાર હતો તો સાધારણ, પરંતુ તેમાં અતિ વ્યવહારોપયોગી પ્રથમ વરાળયંત્રનું બીજ હતું. એક જ ઉદેશ સહિત પોતાના જીવનની શરૂઆત કરનાર આ રંક સ્કોચ છોકરાને સર જેમ્સ મેકીન્ટોશ `સર્વ યુગોમાં અને સર્વ પ્રજામાં ઉત્પન્ન થયેલા સમસ્ત શોધકોનો `મુકુટમણી` કહે છે !
ઈ. સ. ૧૮૦૭ના ઓગસ્ટની ચોથી અને શુક્રવારે હડસન નદીને ગોદી આગળ લોકોનું એક ટોળું એકત્રિત થયું. તેમના જણાવ્યા પ્રમાણે એક `ચસ્કેલ માણસ` `ક્લેરમોન્ટ` નામની આગબોટમાં કેટલાક માણસોને બેસાડીને તેમને હડસન નદીમાં આલ્બની પર્યત લઈ જવાને ટેયાર થયો હતો અને આ `ઉપહાસપાત્ર સાહસ`ની નિષ્ફળતા જોવા માટે જ તેઓ એકઠા થયા હતા. તેઓ કહેતા કે `સઢ વિનાની નૌકામાં પ્રવાહની સામે મુસાફરી કરવાની હાસ્યાસ્પદ વાત કોઈએ સાંભળી છે?` એક જાણ કહેતો કે એન્જિન તૂટી જશે.` બીજો કહેતો કે, `નૌકા બળીને ભસ્મ થઈ જશે.` ત્રીજો કહેતો કે ` તેમાં બેઠેલા સર્વ માણસો ડૂબી જશે !` એંજિનના ભૂંગળામાંથી કાળા ધુમાડાના ગોટેગોટ અને ચકચકિત ચિનગારીઓનો સમૂહ નીકળતો જોઈને લોકો આ પ્રમાણે ઉદગાર કાઢતા હતા; કેમ કે તેમાંના કોઈએ પણ વરાળથી નૌકા ચાલે છે એવી વાત સાંભળી ન હતી. દરેક માણસ એવો જ અભિપ્રાય ધરાવતો હતો કે જે માણસ ક્લેરમોન્ટ પર પોતાના પૈસા અને પોતાનો સમય ખરચી નાખ્યો છે તે ખરેખર મૂર્ખ છે અને તેને દીવાનાશાળામાં જ મોકલી આપવો જોઈએ ! પરંતુ તેમના અભિપ્રાયની કાશી દરકાર રાખ્યા વિના ઉતારુઓ એ નૌકા ઉપર ચઢ્યા અને તેના એન્જિનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા ! પ્રેક્ષકો બોલ્યા કે, `આ નૌકા પ્રવાહની સામે કદી પણ ચાલી શકનાર નથી.` પરંતુ તે પ્રવાહની સામે ચાલી ને જે છોકરાએ બાલયાવસ્થામાં કહ્યું હતું કે કોઈ પણ કાર્ય અશક્ય નથી તેને મહાન સફળતા પ્રાપ્ત થઈ ! તેણે જગતને પહેલવહેલી વ્યવહારોપયોગી આગબોટ આપી.
ક્લેરમોન્ટના એન્જિનમાં લાકડા બળવા લાગ્યા, તેમાથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા અને તે નદીના પ્રવાહની સામે વિજયધ્વજા ફરકાવતી ચાલવા લાગી. આ દ્રશ્ય જોઈ કિનારા પરના લોકોના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. તેઓ એક નૌકાને હલેસા અથવા સઢ વિના પ્રવાહની સામે અતિ ત્વરાથી ચાલતી જોઈને વિસ્મિત થઈ કિનારા પર ઘસી આવ્યા. નૌકામાંથી ધુમાડો નીકળતો જોઈ કેટલાકને લાગ્યું કે એમાં આગ લાગી છે; અને તે છતાં પણ તે સઢ વિના અતિ ત્વરાથી ચાલતી હતી ! તેના મોટા પંખા(પાણી કાપનારા ચક્ર)થી થતાં અવાજથી તેમના આશ્ચર્યમાં વૃદ્ધિ થઈ. આ અગ્નિમય રાક્ષસના પંજામાંથી છૂટવાને માટે બીજી સામાન્ય નૌકાઓના ખલાસીઓએ પોતાની નૌકાઓનો ત્યાગ કર્યો અને તેઓ બનતી ત્વરાથી પોતાને ઘેર નાસી ગયા ! આ નૌકા જ્યારે મેનહટ્ટન દ્વિપમાં જય પહોંચી ત્યારે ત્યાંના ઇન્ડિયનો પણ એટલા જ ભયભીત થયા. સઢવાળા વહાણોના માલિકો ક્લેરમોન્ટના માલિક પર ઈર્ષ્યા કરવા લાગ્યા અને તેમણે નિષ્ફળ કરવાનો ઉધોગ આરંભ્યો. જે જે લોલોના સ્વાર્થને હાનિ પહોંચી હતી તેમણે ફૂલ્ટનના આ નવીન શોધ પરના દાવાનો અનાદર કર્યો અને તેની વિરુદ્ધ મુકદ્દમા માંડ્યા, પરંતુ ક્લેરમોન્ટને જે સફળતા પ્રાપ્ત થઈ હતી તે પરથી દેશના જ્યાં ત્યાં આગબોટો બંધાવા લાગી. સરકારે પણ ફૂલ્ટનને એક મજબૂત આગબોટ તૈયાર કરવામાં રોક્યો. આ આગબોટનું નામ `ફૂલ્ટન ધ ફર્સ્ટ` પાડવામાં આવ્યું. વળી તેણે સરકારને માટે પાણીમાં ડૂબકી મારે એવી પણ એક આગબોટ તૈયાર કરી. પરિણામે તેની કીર્તિ સમસ્ત સુધરેલા જગતમાં પ્રસરી ગઈ અને ઈ.સ. ૧૮૧૫માં જ્યાતે તે મરણ પામ્યો ત્યારે વર્તમાનપત્રોએ કાળી લીટીઓ દ્વારા પોતાનો શોક પ્રદર્શિત કર્યો ! ન્યૂયોર્કના અમલદારોએ શોકની કાળી પટી પહેરી અને તેની પાયદસ્ત ટ્રીનિટી કબ્રસ્તાન આગળ પહોંચી ત્યાં સુધી માનની તોપોના ધડાકા કરવામાં આવ્યા ! ઘણા થોડા જ ખાનગી માણસોની પાયદસ્તની આવડું મોટું માન અપાયું હતું.
ડો. લાર્ડનરે વેજ્ઞાનિકોની આગળ `સિદ્ધ` કર્યું હતું કે, આગબોટ કદી પણ આટલાંટીક મહાસાગર ઓળંગી શકશે નહીં; પરંતુ ઈ. સ. ૧૮૧૯માં `સાવાના` નામની આગબોટે ન્યૂયોર્કથી નીકળીને આયર્લેન્ડના કિનારા પર દર્શન આપ્યાં ! જે કાર્ય અશક્ય મનાતું હતું તેને શક્ય બનાવ્યું-કરી બતાવ્યુ ! આ સમયે કિનારા પર જે માણસો હતા તેમણે ધાર્યું કે આ નૌકાના તૂતકની નીચે આગ લાગી છે અને તેના માટે તેમણે એક વહાણ તેને બચાવવા માટે મોકલી આપ્યું ! ઉપલી આગબોટે જરા પણ અકસ્માત વિના મુસાફરી કરી હતી તો પણ વ્યાપારની વસ્તુઓ લાવવા લઈ જવામાં તે ઉપયોગી છે એ વાતનો સ્વીકાર તો ત્યાર પછી વીસ વર્ષે કરવામાં આવ્યો !
ન્યુ હેવનવાળો ચાર્લ્સ ગુડિયર આપણને દ્રઢતા અને ધૈર્યનું કેવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ! તેણે ઈન્ડિયા રબરને વ્યહારોપયોગી કરવાને માટે ગરીબ દશામાં અગિયાર વર્ષ સુધી પ્રયોગ કર્યા હતા. તે દેવું ન ભરી શકવાથી કારાગૃહમાં પડ્યો હતો. તેણે પોતાના બાળકોને ભૂખે મરતાં બચાવવાને થોડા પૈસા મેળવવાને માટે પોતાના વસ્ત્ર અને પોતાની પત્નીના અલંકાર ગીરો મૂક્યા હતા. તેના સંતાનો ખેતરોમાં ફરીને બળતણ એકઠું કરવું પડતું હતું. એક મારી ગયેલા બાળકનો ભૂમિદાહ કરવાને માટે તેની પાસે પૈસા ન હતા અને તેના બીજાં બાળકો ભૂખે મરવાની અણી પર હતા ત્યારે પણ તે પરમ ધૈર્ય સહિત પોતાના ઉદેશને વળગી રહ્યો હતો ! આ સમયે તેના પાડોશીઓ કુટુંબની સંભાળ નહીં લેવા માટે સખત નિંદા કરતાં હતા અને તેણે ગાંડો કહેતા હતા; પરંતુ આ સર્વ સહન કરી તેણે ગંધકના મિશ્રણવાળું રબ્બર તૈયાર કર્યું. આ રબ્બર જુદા જુદા પંચસો કામોમાં વપરાય છે અને રબબરના ધંધામાં ૬૦,૦૦૦ કરતાં અધિક માણસો રોકાયેલા છે !
જે કાર્યને આસપાસના સર્વ માણસો મુર્ખિભર્યું અને તરંગી ગણતાં હોય તે કાર્યમાં મૂડી અથવા વગ વિના મહાન સફળતા પ્રાપ્ત કરવી એ સહેલું નથી; પરંતુ મનુષ્યોના સદભાગ્યે આ જગતમાં હમેશાં એવા કેટલાક સામર્થ્યવાન નિશ્ચયાત્મક બુદ્ધિના અને હિંમતવાન માણસો હોય છે કે જેઓ ભલેને આખું જગત વિરોધી બની ગયું હોય તોપણ દ્રઢતાપૂર્વક આગળ જ ઘસ્યા જાય છે. સફળતા કદી પણ દૈવયોગથી પ્રાપ્ત થતી નથી.
જગતમાં હજી પણ હજારો વિચાર બાકી રહ્યા છે, હજુ જો કાઇ સર્વ પ્રકારની શોધખોળ પૂરી થઈ નથી. હજુ કાઇ સર્વ સતકાર્યો થઈ ચૂક્યાં નથી. હજૂતો હજારો ભૂલો સુધારવાની છે કે જે પ્રત્યેક ભૂલ સ્વતંત્ર આત્માને એક નવીન વિચાર પૂરો પાડે છે.
પરંતુ તમે પૂછશો કે, `હું વિચારો ક્યાથી મેળવું ? ` તેનો ઉત્તર એ જ છે કે તમારા મગજને ખુલ્લુ રાખો, અવલોકન કરો, અભાયાસ કરો અને સૌથી વિચાર કરો અને જ્યારે મનમાં એક ઉત્તમ ચિત્ર પાકા રંગથી અંકિત થાય ત્યારે કામ કરો.`
Image Source – Google image by Anand Adhikari https://www.businesstoday.in/magazine/best-companies-to-work-for-2020/one-team-one-goal/story/398449.html |
No comments