Header Ads

ગ્રંથો એટલે પુસ્તકો

     ગ્રંથો એટલે પુસ્તકો

      `શિક્ષણને મજબૂત રીતે પકડી રહેજો; જવા દેશો નહિ, કારણ કે તે તમારું જીવન છે`                                              -સોલોમન
     `પુસ્તકો યુવાવસ્થામાં આપણને માર્ગ દર્શાવે છે અને વૃદ્ધાવસ્થામાં આનંદ આપે છે. તે એકાંતમાં આપણને આશ્રય આપે છે અને આપણા જીવનને બોજારૂપ થતું અટકાવે છે.`                                       -જેરિમી કોલિયર
      `મનુષ્યોને સમાનતાની ભૂમિ પર લાવવાનાં જો કોઈ સાચાં સાધનો હોય તો તે માત્ર પુસ્તકો જ છે. સર્વ માણસોને માટે ખુલ્લો એવો જો કોઈ પણ ખજાનો હોય તો તે પુસ્તકાલય છે.`                                  -લેગ્ફર્ડ
     `જો મારા પુસ્તકો અને મારા વાંચનના પ્રેમના બદલામાં સમસ્ત મહારાજ્યોના મુકુટો મારા પગ આગળ મૂકવામાં આવે તો હું તે સર્વ મુકુટોને લાત મારી ફેંકી દઉં!`                                                             -ફેનેલન
     `વાંચનનો રસ, જે મારો બાલપનનો અજેય મિત્ર છે તેને જો કોઈ મને હિંદુસ્તાનની સઘળી દોલત આપી દે તોપણ હું તેનો ત્યાગ કરું નહિં                                                                                            ¬¬-ગિબન
     `હાલમાં મારા ઘણા મિત્રો છે અને હું તેમણે ચાહું છુ; પરંતુ તેમના કરતાં હું વાંચનને વિશેષ ચાહું છુ.`      -પોપ
     `કેટલાક ગ્રંથોએ જગતનું જેટલું હિત કર્યું છે અને હજી કર્યા જાય છે; તેઓ જે રીતે આપણી આશાને જાગ્રત રાખે છે; નવીન હિંમત અને શ્રદ્ધા જાગ્રત કારે છે; દુઃખને શાંત કરે છે; કઠિન અને સખ્ત હ્રદયનાં કુટુંબીઓને પાળે પડેલા મનુષ્યોને આદર્શ જીવન આપે છે; દૂર દૂરના યુગોને અને દેશોને એક બીજાની સાથે જોડી દે છે; સૌંદર્યના નવા જગતો ઉત્પન્ન કરે છે અને સ્વર્ગમાંથી સત્યોને લાવે છે-એ સર્વનો જ્યારે હું વિચાર કરું છે ત્યારે હું હમેશાં ઈશ્વરને આ બક્ષિસ આપવા માટે ધન્યવાદ આપું છુ.`                                                          -જેમ્સ ફ્રીમેન ક્લાર્ક
   `ગ્રંથો એ મિત્ર રહિત માણસોના મિત્રો છે.`                                                         - જ્યોર્જ એચ. હિલાર્ડ
   `હોરેસ ગ્રીલીએ કહ્યું હતું કે. જ્યારે હું બાલ્યાવસ્થામાં હતો ત્યારે વાંચતો વાંચતો હું લાકડાંથી ભરેલા ઓરડામાં જતો હતો; વાંચતો વાંચતો બગીચામાં જાતોહતો અને પાડોશીઓને ત્યાં વાંચતો વાંચતો જતો હતો. મારો પિતા બહુ ગરીબ હોવાથ તેને દિવસના વખતમાં બાગમાં મારી ચાકરીની જરૂર પડતી; પરંતુ રાત્રે મને સુવડવામાં તેને ભારે તકલીફ પડતી હતી. હું મારાં પુસ્તકોને મારી આસપાસ ગોઠવતો અને રાત્રે લાંબા વખત સુધી તે વાંચ વાંચ કર્યા કરતો. હું મૂંગો અને ગતિહીન બની નીચી મુંડીએ પુસ્તકોમાંથી જ્ઞાનરૂપી અમૃતનું પાન કર્યા જ કરતો. મારાં મનથી , મારી આસપાસનું જગત જડ બનતું અને મારાં પુસ્તકો મને જે જગતમાં લઈ જતાં તે જ જગત માત્ર મને જીવતું જાગતું લાગતું.`
    કેટલા બધા છોકરાઓ આવી જ વાત કરી શકે છે !કેટલા બધા માણસોને ઉન્નતિના સમયમાં ગ્રંથોમાં એક મહાનમાં મહાન આનંદ પ્રાપ્ત થયો છે અને દુઃખના સમયમાં પુસ્તકોએ આશ્વાસન આપીને ચિંતામાંથી નિર્વૃત કાર્યા છે તથા તેમણે ઉદાસિને બદલે મધુર સુખ આપ્યું છે !
    ગરીબ લોકોને દ્રરિદ્રના કૂવામાંથી બહાર ખેંચી કાઢવાની, કંગાળ લોકોને તેમનાં દુઃખમાંથી મુક્ત કરવાની, ભાર ઊચકનારને બોજાનું વિસ્મરણ કરવાની, બીમાર માણસોને તેમનું દર્દ ભુલાવી દેવાની, દુઃખી માણસોને દુઃખ ભૂલાવવાની અને પાયમાલ થયેલાઓને તેમની દુર્દર્શાનું ભાન ભુલાવી દેવાની ગ્રંથોમાં જેટલી શક્તિ હોય છે તેટલી શક્તિ ઘણું કરીને બીજી કોઈ પણ ચીજમાં હોતી નથી. ગ્રંથો એ મિત્રહીનના મિત્રો, એકલવાયા પડેલા જનોના સાથીઓ, આનંદહીનનો આનંદ, નિરાશ થયેલાઓની આશા, હ્રદયભંગ થયેલાઓનું આશ્વાસન અને અસહાય નિરાશ્રિતોના આશ્રય અને સહાયક છે. પુસ્તકો અંધકારમાં પ્રકાશ આણે છે અને છાયામાં તડકો આણે છે. 
     આપણે ગરીબ હોઈએ; સમાજ દ્વારા તિરસ્કારાયેલા હોઈએ અને સત્પુરુષોનો સમાગમ કરવાની તક ન મળતી હોય પણ પુસ્તકોને આપણે ઉત્તમોત્તમ મિત્રો બનાવી શકીએ છીએ. તેમના દ્વારા આપણે મહેલોમાં રહી શકીએ છીએ. મોટા મોટા મહારાજાઓ સાથે વાતો કરી શકીએ છીએ; રાજવંસીઓના મિત્ર થઈ શકીએ છીએ અને સર્વ યુગોના મહાનમાં મહાન અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુરુષોની સાથે બેસીને ધરાઈએ ત્યાં સુધી વાર્તાલાપ કરી શકીએ છીએ. 
    આ જમાનામાં છાપખાનાં તમને ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદો પુરાણો ઈત્યાદિની પ્રતો જૂજ કિંમતે ખરીદવાને શક્તિમાન કરે છે; પરંતુ જો તમે તેમાંના અખૂટ જ્ઞાનભંડારનો છૂટથી લાભ લો અને તે તમારા તથા તમારી આસપાસના માણસોના જીવન પર જે અસર કરે તેના પ્રમાણમાં જો તમે કિંમત કરો તો કેટલી બધી થવા જાય ? જીવનયાત્રામાં રસ્તો ભૂલેલા હજારો માણસોને આ ગ્રંથોએ માર્ગ બતાવ્યો છે અને દુનિયામાંનાં બીજા કોઈ પણ ગ્રંથ તેમનું સ્થાન લઈ શકશે નહિં.      
     જે ગ્રંથ એક યુવાનને માણસને તેના જીવનકાર્યમાં ગોઠવી શકે છે તે મહાન શક્તિશાળી હોય છે. માત્ર એક જ ગ્રંથના પ્રોત્સાહનથી અનેક વ્યાખાનકારો, કવિઓ, તત્વવેત્તાઓ, ગ્રંથકર્તાઓ અને રાજદ્વારી પુરુષો ઉત્પન્ન થયા છે. એથી ઊલટી રીતે જોતાં, એક જ અનીતિમાન પુસ્તકે કેટલીવાર અનેક માણસોને નાસ્તિક, લંપટ અને અપરાધી બનાવ્યા છે. ઓસિયાનના કાવ્યોએ નેપોલિયનના જીવન પર અતિ પ્રબળ અસર કરી હતી અને તે હોમરની પ્રશંસા કરતાં થાકતો ન હતો. તેનું વાંચન બહુ વિશાળ હતું; તેને સમસ્ત યુગોના અને સમસ્ત દેશોના ઇતિહાસ, ગણિતશાસ્ત્ર, વર્જિલ અને ટાસોના ગ્રંથો અને ધાર્મિક પુસ્તકો તથા કાયદાના ગ્રંથો વાંચ્યા હતા. 
     કોટન મેથરનો `સત્કાર્ય વિષે નિબંધ` ફ્રેંકીલને પોતાના બાલ્યાવસ્થામાં વાંચ્યો હતો તેની અસર તેના આખા જીવન પર થઈ હતી.  તે પ્રત્યેક માણસને હાથમાં કલમ લઈને વાંચવાની અને જે અગત્યનું વાંચ્યું હોય તેની નોંધ લખી લેવાની ભલામણ કરતો હતો.    
     પોતાને કોઈ પણ પ્રકારની તક મળતી નથી એવો વિચાર ધરાવનાર કેટલા બધા ગરીબ છોકરાઓ અને છોકરીઓ સ્માઈલ, ટોડ, મેથ્યુઝ, મન્જર, વ્હીપલ, જીકી, થેચર, ઈત્યાદી, લેખકોના સુંદર ગ્રંથો વાંચીને સત્કાર્યોં કરવા પ્રેરાયા છે !
     પુસ્તકોનો મોટામાં મોટો લાભ હમેશાં તેમાંથી જે હકીકત આપણને યાદ રહે છે તે દ્વારા થતો નથી પણ તેમાંથી જે સૂચના આપણને જે મળે છે તે દ્વારા પ્રાપ્ત થાય છે. એક સારો ગ્રંથ અથવા સારો મિત્ર ઘણીવાર આપણામાં રહેલી ગુપ્ત શક્તિને જાગ્રત કરે છે. પુસ્તકોના વાંચનથી મહાન લેખકો ઘણીવાર જુદા જ વિષયો પર ચિંતન કરવાને ઉત્તેજિત કરી દે છે. આપણે ઘણીવાર આપણા વિચારો અને આપણી જ ભાવનાઓ પુસ્તકોમાં જોઈએ છીએ. વાસ્તવમાં પુસ્તકો દ્વારા આપણે આપણી જાતને ઓળખાતા શીખીએ છીએ. આપણે આપણું એક અંગ એમર્સનના ગ્રંથ માં જોઈએ છીએ તો બીજું શેકસપિયર કે કાલિદાસના ગ્રંથમાં જોઈએ છીએ. આપણો એક વિચાર વાલ્મીકિ યા હોમરના ગ્રંથમાં હોય છે તો બીજો શંકર કે ડાંટેના ગ્રંથમાંથી મળી આવે છે અને આપણે આપણું સંપૂર્ણ જાણી રહીએ ત્યાં સુધી આ ક્રિયા ચાલુ જ રહે છે. આપણાં મિત્રો દ્વારા પણ આપણને આપણાં ઘણાં સુંદર અંગોનું ભાન થાય છે. આપણાં શત્રુઓ દ્વારા આપણાં ઘણા બેડોળ અંગોનું પણ જ્ઞાન થાય છે અને લોકો તરફથી આપણાં છૂટાછવાયાં લક્ષણોની પ્રતીતિ થાય છે અને એ વાત સત્ય છે; પરંતુ આપણાં સૌથી વિશેષ અંગોની પ્રતીતિ શાંત અને નિષ્પક્ષપાત રીતે તો આપણને પુસ્તકો દ્વારા જ થાય છે. પુસ્તકોમાં આપણી સબળતા અને દુર્બળતા આપણી વિશાળતા અને સંકોચ, આપણાં અભિપ્રાયો અને અભિરુચિઓ, આપણી અનુકૂળતા અને પ્રતિકૂળતા, આપણી સહ્રદયતા અને જડતા એ સર્વનાં પ્રતિબિંબ સ્પષ્ટ રીતે માલૂમ પડે છે. 
     આપણે આપણાં ઘણા અભિપ્રાયો આપણાં પ્રિય પુસ્તકોમાંથી બાંધીએ છીએ. જે ગ્રંથકર્તાને આપણે વિશેષ પસંદ કરીએ છીએ તે જ આપણો સૌથી મહાન શિક્ષક છે. કેમ કે આપણે તેની દ્રષ્ટિએ જગતને જોઈએ છીએ. જો આપણે હમેશાં ઉન્નત વિચાર, શુદ્ધ શૈલી, મજબૂત દલીલ અને સૂક્ષ્મ નિરીક્ષણવાળા ગ્રંથો વાંચીને તો આપણાં આ ગુણોનો વિકાસ થાય છે. ઊલટપણે જો આપણે અનીતિથી ભરેલા ગ્રંથો વાંચીએ તો આપણામાં પણ તે ગ્રંથોના દોષો અને દુર્ગુણોનો પ્રવેશ થાય છે. જેવી રીતે આપણે શ્વાસમાં લીધેલી હવાની અસરમાંથી મુક્ત થઈ શકતા નથી તેવી રીતે આપણે આપણા વાંચનનો પ્રભાવ આપણાં પર પડતો અટકાવી શકતા નથી. 
     જે પુસ્તકો આપણને સૌથી વિશેષ પ્રોત્સાહન આપે અને કોઈક મહાન કાર્ય કરવાને તથા કાંઈક મહત્તા મેળવવાને સૌથી વિશેષ નિશ્ચયવાળા બનાવે તે જ ઉત્તમોત્તમ ગ્રંથો છે. જે પુસ્તકો આપણને વિશેષ શુદ્ધ વિચાર અને આચરણમાં  લઈ જાય છે તે જ ઉત્તમોત્તમ પુસ્તકો છે. જે માણસો આપણને ઉત્તમોત્તમ કામો કરવાને પ્રોત્સાહિત કરે તેમના સહવાસમાં આપણે આવવું જોઈએ. જે ગ્રંથો આપણને ઉન્નત વિચાર આપે અને આપણી શક્તિઓનો તથા તકોનો સૌથી વિશેષ લાભ લેવાને આપણને પ્રેરે તેવાં જ પુસ્તકો આપણે વાંચવા જોઈએ. 
     `એક વાર વાલ્મીકિ વાંચ્યો, એટલે પછી તમને બીજા સર્વ ગ્રંથો હલકી પંક્તિના જણાશે; તમને જોઈતા સર્વ ગ્રંથોનો એમાં સમાવેશ થયેલો જણાશે.`
     એરેબિયન વાર્તામાંનો ફકીર ઊંટો, તેમની પીઠ પર લાદેલા અલંકારો અને જવાહિરતો ત્યાગ કરતાં અચકાયો ન હતો; પરંતુ તેણે માત્ર એક જ દાબડો પોતાની પાસે રાખ્યો હતો કે જેમાંનું ઔષધ આંજવાથી એક જ દ્રષ્ટિપાતે સમસ્ત વિશ્વના સર્વ ગુપ્ત ભંડારો જોઈ શકાય. ખરેખર, આ વાતમાં જરા પણ અતિશયોક્તિ નથી કે જે શુદ્ધ મન:ચક્ષુ આપણને વિચારને માટે માનસિક જગતનું અપાર દ્રવ્ય, પ્રાચીન રાજયકુલોનાં સઘળા ખજાનાઓ અને હજુ સુધી નહીં શોધાયેલી ખાણોની કાચી ધાતુઓ આપે છે; તેની સાથે કોઈ પણ બાહ્ય સંપતિની તુલના થઈ શકે તેમ નથી. મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોએ મનુષ્યોને બક્ષિસ આપી છે. કુડીબંધ સૈકાઓથી અયોધ્યા અને હસ્તિનાપુરની સ્વતંત્રતા અને સત્તાનો નાશ થયો છે; તેના નિવાસીઓ પતિત થઈને ભીરુ ગુલામો બન્યા છે; તેની ભાષા અશુદ્ધ બની ગઈ છે; તેના મંદિરો વિદેશી આક્રમણ અને ઘસારાઓના ભોગ થઈ પડ્યા છે; પરંતુ વ્યાસ અને વાલ્મિકીનું માનસિક સામ્રાજ્ય આજે પણ અવિનાશી છે. 
     સર વિલિયમ વોલરે કહ્યું હતું કે,`મારા અભ્યાસગૃહમાં મને ખાત્રીપૂર્વક માત્ર બુદ્ધિમાન પુરુષોની સાથે જ વાર્તાલાપ કરવાનું મળે છે; જ્યારે બહાર તો મૂર્ખાઓના સંસર્ગમાંથી છૂટવું જ અશક્ય થઈ પડે છે !` વેબ્સ્ટર કહે છે કે, `એક વાર પ્રાપ્ત કરેલું કદી પણ ગુમાવવું નહિં એ માત્ર જ્ઞાનસામ્રાજયનો જ ગૌરવશાળી અને ખાસ હક્ક છે. ઊલટું એ એની પોતાની શક્તિથી વધતું જ ચાલે છે એનાં સઘળાં સાધ્યો એનાં સાધનો બની રહે છે; આની સરવા પ્રાપ્તિઓ નિવિન વિજયો મળવવામા સહાય કરે છે.`
    એમર્સને વાચનના ત્રણ નિયમો કર્યા હતા :     
     જે પુસ્તકને પ્રસિદ્ધ થયાને એક વર્ષ થઈ ગયું ન હોય તે ન વાંચવું. ઉત્તમ ગ્રંથો સિવાય બીજું કોઈ પણ પુસ્તક વાંચવું નહિં. જે પુસ્તક પસંદ પડતું ન હોય તે કદી પણ વાંચવું નહિં. 
    તમે જે રીતે કુહાડાને શરાણ પર ચઢાવો છો તે જ રીતે તમારે કોઈ પણ ખાસ પુસ્તકનું મનન અથવા ખાસ વિષયનું મનન અને અભ્યાસ કરવો જોઈએ. તમે શરાણ પાસેથી કંઈ મેળવવાની ઇચ્છાથી કુહાડો તે પર ચઢાવતા નથી પણ કુહાડાની ધાર તીક્ષ્ણ કરવાને-જ ચઢાવો છો; શરાણમાંથી નીકળતી રજકણો કરતાં પુસ્તકોમાંથી વાંચેલી હકીકતો વધુ કિંમતી હોય છે. તેમ જ કુહાડા કરતાં આપણું મગજ વિશેષ મૂલ્યવાન હોય છે. 
     બેકન કહે છે કે:- `કેટલાક ગ્રંથોનો તો માત્ર સ્વાદ જ લેવાનો હોય છે.` કેટલાક ગળી જવાના હોય છે અને થોડાકને જ ચાવીને પચાવી દેવાનો હોય છે; અર્થાત, કેટલાક પુસ્તકોના માત્ર થોડા જ ભાગ વાંચવાના હોય છે, કેટલાકને વાંચી જવાના હોય, પરંતુ આતુરતાપૂર્વક નહિં અને થોડાકને જ ઉધોગ, ધ્યાન અને મનનપૂર્વક સંપૂર્ણ વાંચવાના હોય છે. 
     વાંચન મનુષ્યોને સંપૂર્ણ બનાવે છે. વાતચીત તેમને તૈયાર બનાવે છે. લેખન તેમને ચોક્કસ બનાવે છે. એટલા માટે જો એક માણસ થોડું લખે તો તેને મહાન સ્મરણશક્તિની જરૂર પડે છે; જો તે વાતચીત થોડી કરે તો તેને મહાન હાજરજવાબીની જરૂર પડે છે અને જો તે થોડું વાંચે તો પોતાનું અજ્ઞાન છુપાવવાને માટે મહાન લુચ્ચાઈની તેને જરૂર પડે છે. ઇતિહાસ મનુષ્યને ડાહ્યો બનાવે છે. કવિતા તેને રસિક બનાવે છે. ગણિતશાસ્ત્ર તેને મર્મજ્ઞ બનાવે છે તત્વજ્ઞાન તેને ઊંડી બુદ્ધિવાળો બનાવે છે. નીતિશાસ્ત્ર તેને ગંભીર બનાવે છે. ન્યાયશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર તેને વાદવિવાદ કરવાને શક્તિમાન બનાવે છે.
    પુસ્તકોમાં કેટલું બધું દ્રવ્ય ભરેલું છે; અને ગરબીમાં ગરીબ છોકરો કે છોકરી માત્ર થોડાક જ પૈસામાં પુસ્તકો લઈને માહિતી. જ્ઞાન અને બુદ્ધિમાં કેટલી બધી પ્રગતિ કરી ચકે છે ! પુસ્તકો દ્વારા ગરીબમાં ગરીબ છોકરો વ્યાસ, વાલ્મીકિ, પ્લેટો, અને સોક્રેટિસના બુદ્ધિરૂપી દ્રવ્યમાં આળોટી શકે છે. ચિંથરિયો મજૂર શેકસપિયરની સાથે `હેલ્મેટ` ના કરુણરસિક નાટકમાં ભાગ ભજવી શકે છે. સાધારણ મજૂર પ્લેટોની સાથે વાદવિવાદ કરી શકે છે. ખાતામાં કામ કરનારો મજૂર અર્જુન અને સીઝર જેવાઓની પાછળ પાછળ તેના યુદ્ધોમાં જઈ શકે છે અથવા સિકંદરની પાછળ તેને સમસ્ત જગત પર કરેલી ચડાઈઓમાં જઈ શકે છે. ગરીબમાં ગરીબ કારીગર લિવિંગ્સ્ટન અને સ્ટેન્લિની સાથે આફ્રિકાના જંગલોની શોધખોળ કરી શકે છે અને નેપોલિયનની પાછળ તેની યુરોપના રણક્ષેત્રોમાં જઈ શકે છે. ગરીબમાં ગરીબ છોકરો ગેલીલિયો, હર્શલ, પ્રોકટર અને મિલરની સાથે આકાશના વિસ્તારને ભેદી શકે છે; ખડકોમાં છુપાયેલી અનેક યુગોની વાર્તાઓ વાંચી શકે છે અને ટોમ્સન તથા એડિસનની સાથે વિજ્ઞાનના રહસ્યો ઉકેલી શકે છે. 
     પુસ્તકાલયો હવે ગમ્મતનાં સાધનો રહ્યા નથી પણ આવશ્યક વસ્તુ થઈ રહ્યા છે. પુસ્તકોને સામાયિક પત્રો વિનાનું ઘર આજે બારી વિનાના ઘર જેવુ ગણાય છે. છોકરા પુસ્તકોની વચ્ચે ઉછરતાં હોવાથી તેઓ વાંચતાં શીખે છે. તેઓ તેમણે સ્પર્શ કરવાથી અજાણ રીતે પણ જ્ઞાન મેળવે છે. આજે કોઈ પણ કુટુંબને સારા વાચન વિના ચાલી શકતું નથી. 
     જો જરૂર પડે તો થીગડાં દીધેલાં કપડાં અને સાંધેલા જોડા પહેરજો, પરંતુ પુસ્તકોની બાબતમાં કંજુસાઈ કરશો નહિં. તમે તમારા બાળકોને પાઠશાળાનું શિક્ષણ આપી શકતા ન હો તો પણ તમે તેમને થોડાક ઉત્તમ પુસ્તકો આપી શકશો; અને તેથી તેઓ ઉન્નત સ્થિતિએ પહોંચી આબરૂ અને માન મેળવશે. જે છોકરા અથવા છોકરીના હાથમાં આવશ્યક ગ્રંથો છે તે ભલેને તે ભલેને ગરીબમાં ગરીબ હોય તોપણ તેઓ પાઠશાળા શિક્ષણ જેટલું અથવા તેનાથી પણ અધિક-શિક્ષણ મેળવી શકે છે. જો આપણાં દેશના પ્રત્યેક ઘરમાં ઉત્તમોત્તમ પુસ્તકોનો સંગ્રહ હોય તો આપણી સંસ્કૃતિમાં એક મોટો ફેરફાર થઈ જાય. 
     મેરી વોર્ટલી મોટેગ્યું કહે છે કે, `ગમ્મત મેળવવાનું કોઈ પણ સાધન વાચનના જેટલું સસ્તું નથી, તેમ જ કોઈ આનંદ એના જેટલો ટકતો નથી.` 
     સારા ગ્રંથો ચારિત્ર્યને ઉન્નત કરે છે, રુચિને શુદ્ધ કરે છે, હલકા આનંદોનો મોહ મટાડે છે અને આપણને ઊંચકીને વિચાર અને જીવનની ઉચ્ચતર ભૂમિકા પર મૂકી દે છે. 
     એક ઉત્તમ અને ઊન્નત વિચારથી ભરેલો ગ્રંથ વાંચ્યા પછી તરત જ હલકાં કામ કરવાનું બનતું નથી. જે માણસ સંસ્કરણ અથવા આનંદને માટે વાંચે છે તેના સંભાષણમાં રસિકતા અને મીઠાસ આવે છે જ. 
    પોતાનાં સાધનો ગમે તેટલા સંકુચિત હોય તો પણ પ્રત્યેક તરુણે કોઈ એક વસ્તુને માટે પ્રસિદ્ધ થવાની-કોઈ એક બાબતમાં અસાધારણ નિવડવાની મહાત્વાકાંક્ષા રાખવી જોઈએ; કોઈ ચોક્કસ કાર્યના સંપૂર્ણ સ્વામી બનવાની મહત્વાકાંક્ષા ધારણ કરવી જોઈએ. જેમ જ્ઞાન એ કાઇ બુદ્ધિ નથી તે જ પ્રમાણે વાચન એ પણ કાંઈ જ્ઞાન નથી.  જે જ્ઞાન મનુષ્યના આચરણમાં ઉતારી જઈને તેનો એક અંશરૂપ બની રહ્યું હોય તેનું જ નામ બુદ્ધિ છે અને પદ્ધતિપૂર્વક તથા સૂક્ષ્મ રીતે વિચાર (મનન) કરવાનું જ એ પરિણામ હોય છે.વાચન અને ચિંતન એ જ મગજનો વ્યાયામ છે. કસરતબાજ કાંઈ, વ્યાયામ શાળામાંથી વ્યાયામ કરવાનાં સાધનો લઈ જતો નથી, પરંતુ તે દ્વારા જે બળ મળે છે તે જ લઈ જાય છે. ગ્રંથ વાંચવાથી બળ અને બુદ્ધિનો જે વિકાસ થાય છે તે જેટલો કિંમતી તેટલું કિંમતી આપણે તેમાંથી જે સ્મરણમાં રાખીએ છીએ તે હોતું નથી. વ્યાયામશાળામાં જેમ બેસી રહેવાથી જેમ શરીરનો વિકાસ થતો નથી તેમ લક્ષ્ય વાંચવાથી મનનો પણ વિકાસ થતો નથી. આપણે મગજને એ વ્યાયામ દ્રઢતા અને નિયમપૂર્વક આપવો જોઈએ. 
    તમે જે પણ વાંચો તે ઉત્સાહપૂર્વક વાંચો. જો તમારા મગજનો વિકાસ કરવાની તમારી ઈચ્છા હોય તો બળપૂર્વક અને સંપૂર્ણ ધ્યાનપૂર્વક વાંચો; અને તેમાંના આધ્યાત્મિક અને નૈતિક જીવનને ગ્રહણ કરવાનું તથા તેને તમારા જીવનમાં મેળવી દેવાનું શીખો. જે માણસ વિશેષમાં વિશેષ જ્ઞાન સંપાદન કરીને તેને પોતાના ચારિત્ર્યમાં ઉતારે છે તે જ ઉત્તમોત્તમ પાઠક છે. યાંત્રિક પાઠકો વસ્તુના છોતરાંરૂપ શબ્દોને જ સ્મરણમાં રાખે છે; પરંતુ તેમાંના સત્વને પચાવતા નથી; તેઓ ગોખણપટ્ટીથી પોતાનાં મગજ ભરી દે છે પરંતુ માનસિક શક્તિઓને ભૂખે મારે છે. જો તમે એક પુસ્તકોનો સૌથી વિશેષ લાભ લીધો હોય તો તમને એક એવી કાર્યશક્તિનું ભાન થાય છે કે જે શક્તિ તમે પૂર્વે કડી અનુભવી ન હોય. જેવી રીતે થોડા જ નટો, પોતે જે વ્યક્તિનો ભાગ ભજવતા હોય છે તેના ચારિત્ર્યને સંપૂર્ણ રીતે જાણતા હોય છે તેવી રીતે માત્ર થોડાક જ પાઠકો ગ્રંથકર્તાઓનાં હ્રદય અને આત્માને ઓળખાતા હોય છે. 
     `જે માણસ દિવસનું કામ પૂરું થયા પછી વર્તમાન અને ભૂતકાળના મહાબુદ્ધિમાન પુરુષોની સાથે સંભાષણ કરીને-પુસ્તકો વાંચીને, શાંતિ અને આનંદ પ્રાપ્ત કરે છે તે માણસ ખરું સુખ ભોગવે છે. કામ અને મહેનતથી શ્રમિત થઈ કંટાળેલા શરીર અને મનને માટે ઉક્ત બૌદ્ધિક આનંદ જેવો કોઈપણ આનંદ કોઈ પણ શાંતિ કેકોઈ પણ નવી કાર્યશક્તિ પૃથ્વી પર વિધમાન નથી.`                                                                    -એલેકઝાન્ડર કોકબર્ન 
     `ગ્રંથ એ ઉત્તમ સોબતી છે. તમારી ઈચ્છા થાય ત્યારે એ પુર્ણ બોધ સહિત આવે છે પરંતુ એ કદી તમારી પુંઠ પકડતો નથી. તમારા દુર્લક્ષ્યથી એ ગુસ્સે થતો નથી. તમે અન્ય પ્રકારના આનંદો તરફ વળો તો તે કશો બદલો લીધા વિના મૌનપૂર્વક તમારી સેવા કરે છે. વળી તે પોતાના શરીરમાંથી તમારી સ્મરણશક્તિમાં પ્રવેશતો જણાય છે. તેનો આત્મા ઊડીને તમારામાં આવે છે અને તમારા મગજને હસ્તગત કરી લે છે.`                          -બીચર
     `ગ્રંથો એ અદભૂત વસ્તુઓ છે. જોકે તેઓ જીભ વિનાના અને મૂંગા હોય છે તોપણ પોતાની વક્તુત્વશક્તિથી તેઓ જગત પર સત્તા ચલાવે છે. તેઓ શક્તિહિન અને જડ લાગે છે. તો પણ જંગલમાં આગ ફરી વળે તેમ તેઓ માણસોનાં  મન અને હ્રદયની ઉપર ફરી વળે છે. તે મગજ પર પ્રકાશ લાવે છે ને તિમિતમય આકાશમાં તારાનું કામ કરે છે.`
     `જ્યારે મિત્રો ઠંડા પડી જાય છે અને આપણાં સગાંસંબંધી શિથિલ અને ફિક્કાં બની જઈને માત્ર દુનિયાદારીની સભ્યતા બતાવવા જ મંડી પડે છે; ત્યારે ફક્ત પુસ્તકો જ પોતાની આગલી મિત્રતાના સુખી દિવસો ન ભૂલી જતાં એવો ને એવો આનંદમય ચહેરો ચાલુ રાખે છે અને જે મિત્રતા આશાવંતને કદી ઠગતી નથી અને દુઃખી લોકોનો કદી પરિત્યાગ કરતી નથી એવી ખરી મિત્રતા આપણાં પ્રત્યે દર્શાવી આપણને આનંદમગ્ન કરે છે.`                 -વોશિંગ્ટન ઇવિંગ   
Image Source – Google image by Vaishali Advani  https://www.mygreatlearning.com/blog/artificial-intelligence-books/  
   

No comments